મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ હોય તેમ છેલ્લા 12 કલાકમાં જુદા-જુદા બે અકસ્માતો સર્જાયા છે. જેમાં ગતરાત્રે કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક સર્જાયેલા અકસ્માતમાં રોંગ સાઈડમાં આવતી કારે હડફેટે લેતા લેબોરેટરીમાં નોકરી કરતો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. જ્યારે આજે સવારે 11 વાગ્યા આસપાસ મોરબી રોડ બ્રીજ પર સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું છે. હાલ બંને અકસ્માતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ગતરાત્રે રાત્રી કરફ્યુ દરમિયાન પોલીસથી બચવા માટે એક કાર ચાલક રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે જઈ રહ્યો હતો. દરમિયાન કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક એક બાઈક આ કારની હડફેટે આવતા 25 ફૂટ જેટલું ઘસડાયું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલક કરણ અનિલભાઈ પરમારને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. કરણ સ્ટર્લિંગ હોસ્પિટલની લેબોરેટરીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

આજે સવારે મોરબીના વેલનાથ બ્રીજ પરથી નીચે પટકાતા એક બાઈક સવારનું મોત નિપજ્યું છે. જેમાં બ્રીજ પર બાઈક પડેલું જોઈ સ્થાનિકો એકઠા થયા હતા. અને બ્રીજ નીચે જોતા એક યુવક લોહીલુહાણ હાલતમાં પડેલો દેખાતા પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. જો કે 108ની ટીમે યુવકને મૃત જાહેર કર્યો હતો. તેના ખિસ્સામાંથી મળી આવેલા એક આધાર કાર્ડ પરથી તેનું નામ પૂજનરાજ નિલેશભાઈ ચાવડા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે તેના પરિવારને દુર્ઘટનાની જાણ કરવા તેમજ તે બાઈકમાંથી બ્રીજ નીચે કઈ રીતે પટકાયો તે જાણવા તપાસ શરૂ કરી છે.