મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ દિપાવલીના પાવન પર્વ નિમિતે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા આધ્યાત્મિક ગુરૂ રવિશંકર મહારાજ રાજકોટ આવી પહોંચ્યા હતા. શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે તેમના સાંનિધ્યમાં અષ્ટલક્ષ્મી હવન, પૂજન તથા મહાસત્સંગના ત્રિવેણી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ તકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ખાસ હાજર રહ્યા હતા. 

રવિશંકર મહારાજના દેશ-વિદેશમાં લાખો અનુયાયીઓ છે. આજે નવ વર્ષ બાદ તેઓ રાજકોટના આંગણે આવતા આ દિવ્ય ઉત્સવની ઉજવણી કરવા 15 હજારથી વધુ અનુયાયીઓ મેદાનમાં ઉમટી પડયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત 10,000 સ્કવેર ફૂટ જગ્યામાં એક વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જેમાં આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષકો સહિત બહોળા પ્રમાણમાં સાધક વર્ગના લોકોએ પણ હાજરી આપી હતી. આ અષ્ટલક્ષ્મી હવનમાં યજમાનોને બેસવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.