મેરાન્યૂઝ નેટવર્ર.રાજકોટ: શહેરમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં એક અન્ય જાતિ-ધર્મના યુવકે લગ્નના નામે યુવતિનું ત્રણ વર્ષ સુધી શોષણ કર્યા બાદ અન્ય યુવતિ સાથે લગ્ન કરી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. હાલ પોલીસે આ અંગે આરોપી યુવક ઈમરાન હનીફભાઈ ડેલાને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લવજેહાદ જેવા આ કિસ્સાને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિને ઈમરાન હનીફભાઇ ડેલા નામના યુવકે નોકરીના બહાને મળવા બોલાવ્યા બાદ પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ તેણીને લગ્નનું વચન આપી અલગ અલગ હોટલમાં લઇ જઇ અનેક વખત પોતાની હવસનો શિકાર બનાવી હતી. ઉપરાંત પીડિતાને મારકૂટ કરી ફોટોઝ, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તાજેતરમાં જ આ યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા પીડિતાએ પોલીસ પાસે મદદ માંગી છે.  

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્રણેક વર્ષ પૂર્વે આરોપી ઈમરાન ડેલાએ તેને ફોન કર્યો હતો અને સારી નોકરીની લાલચ આપીને મનપાની વેસ્ટ ઝોન કચેરી પાછળ ઓફિસે મળવા બોલાવી હતી. ત્યારબાદ તેણી ઇમરાનને મળવા ગઇ ત્યારે તે કાર લઇને આવ્યો અને ઓફિસે લઇ જવાના બદલે ત્રણ કલાક સુધી વિવિધ વિસ્તારમાં ફેરવી હતી. બાદમાં ત્રિકોણબાગ નજીકની ધનરાજ હોટલમાં અગાઉથી બુક કરાવી રાખેલા રૂમમાં લઇ ગયો હતો અને હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરીશ તેવું કહી ધાક ધમકી આપીને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હોવાનું પીડિતાએ ફરિયાદમાં લખાવ્યું છે. 

સાથે જ આ અંગે કોઇને વાત કરશે તો પરિવારને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ઈમરાન ફોન, મેસેજ કરતો અને નોકરી કરતી હતી ત્યાં મળવા પણ આવતો હતો. એક દિવસ ઇમરાન પીડિતાને અમીન માર્ગ પર ભવાની ગાર્ડનમાં લઇ ગયો હતો. થોડીવાર બેઠા પછી હોટલમાં જઇએ તેવી વાત કરી હતી. આ સમયે પીડિતાએ લગ્ન ક્યારે કરીશ? તેમ પૂછતા ઈમરાને માર મારી બદનામ કરવાની ધમકી આપી હતી. ફરિયાદ મુજબ ઇમરાન તેને અવાર નવાર ઢેબર રોડ પર હોટલ વેલવેટમાં લઇ જઇ દુષ્કર્મ કરતો હતો. 

એક મહિના પહેલાં પણ ઈમરાને લગ્ન કરી લેશું તેવી મધલાળ આપી હતી અને માલવીયા ચોકમાં હોટલ ક્રોસરોડમાં લઇ જઇ દુષ્કર્મ કર્યું હતું. આમ 3 વર્ષના સંબંધો બાદ ઈમરાને 20 જૂલાઇએ અચાનક જ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેને પગલે પીડિતાએ પોલીસમાં વિશ્વાસઘાત અને દુષ્કર્મ અંગે અરજી આપી હતી. જેની તપાસના અંતે તાલુકા પોલીસે આરોપી ઈમરાન સામે ગુનો નોંધી સકંજામાં લીધો છે. હવે કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.