મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજ ચેન્નાઇ ખાતે સંપૂર્ણ સભાન અવસ્થામાં આવી ગયા છે. અને ટૂંક સમયમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને રાજકોટ પરત ફરનાર હોવાની માહિતી તેમના ભાઈ અને શહેર ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે આપી છે. સાથે જ શુભેચ્છકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. 

નીતિન ભારદ્વાજે જણાવ્યું છે કે, તારીખ 9 ઓક્ટોબરે અભયભાઈને ચેન્નાઇની MGM હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં ડોક્ટર બાલા સાહેબની સારવાર બાદ અભયભાઈનું સ્વાસ્થ્ય ખૂબ સારું થયું છે. અને હવે તેઓ સંપૂર્ણ સભાન અવસ્થામાં આવી ગયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છકોની તમામ આશાઓ ફળીભૂત થવાની છે. અને ટૂંક સમયમાં અભયભાઈ સંપૂર્ણ સ્વસ્થ થઈને આપણી વચ્ચે આવવાના છે. ત્યારે તેમના માટેની આ લાગણી બદલ ભારદ્વાજ પરિવાર તરફથી સૌનો ખૂબ આભાર માનું છું. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 37 દિવસથી અભયભાઈ વેન્ટિલેટર ઉપર હતા. જો કે રાજકોટમાં જ તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ચુક્યો હતો. પરંતુ ફેંફસામાં તકલીફ હોવાને લઈ તેમને ચેન્નાઈ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સુપ્રસિદ્ધ ફેફસાના સર્જન ડોક્ટર બાલાકૃષ્ણન તેમની સારવાર કરી રહ્યાં છે. હવે તેમની તબિયતમાં ધીમે-ધીમે સુધારો થતા પરિવાર સહિતનાં સમર્થકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.