મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ : રાજકોટમાં બૂટલેગરના ભાઇ અને એક પોલીસકર્મીનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમાં બૂટલેગરનો ભાઇ રાઈટરને બૂટલેગરને માર નહીં મારવા અને દારૂના કેસમાં વધુ નામ નહીં ખોલવા માટે પીએસઆઇ કરતા પીઆઇ જોડી સીધું જ ઓછા રૂપિયામાં સેટિંગ કરાવી દેવા કહી રહ્યો છે. ઓડિયો ક્લિપ મામલે રાજકોટ ડીસીપી ઝોન-2ને તપાસ સોંપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે ગત સપ્તાહે માધાપર ચોકડી નજીક આવેલી એક સોસાયટીના પાર્કિંગમાંથી 28 બોટલ દારૂ સાથે કાર જપ્ત કરી હતી.  જેમાં આરોપી તરીકે નમન શાહનું નામ બહાર આવ્યું હતું. વાયરલ થયેલ ઓડિયો ક્લિપમાં ફોન પર વાત કરાનાર પાતાને નમના શાહના ભાઇ તરીકે ઓળખ આપે છે અને સામેવાળાને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના રાઈટર તરીકે સંબોધિત કરે છે.

કથિત ઓડિયો ક્લિપમાં બૂટલેગરનો ભાઇ પીઆઇના રાઇટરને કહે છે કે, દારૂના કેસમાં નમને માર નહીં મારવા અને અન્ય લોકોના નામ નહીં ખોલવાના બદલે પીએસઆઇ પટેલ ત્રણ લાખ રૂપિયા માંગ છે. આટલી બધી રકમ થોડી હોય? સીધું પીઆઇ સાથે ઓછામાં સેટિંગ કરાવી દો ને. જેના જવાબમાં રાઇટર પુછે છે કે તારે કેટલામાં પુરૂ કરવું છે?

બૂટલેગર કહે છે કે રકમ તમે જ કહો ને. જેથી કથિત રાઇટર કહે છે કે પીઆઇ પણ એટલા જ કહેશે એ પણ ઓછા લાકડે બળે તેમ નથી. પોલીસકર્મીએ બૂટલેગરના ભાઇને રકમ જણાવવાનું કહેતા બૂટલેગર કહે છે કે એક લાખમાં સેટિંગ કરાવી દો. જેથી પોલીસકર્મી કહે છે કે  પોલીસ સ્ટેશન જઇને વાત કરીને પછી કહેશે.

સમગ્ર વાતચીતની ક્લિપ વાયરલ થતાં રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ મામલે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાને તપાસ સોંપી છે. તેઓ રિપોર્ટ આપશે ત્યાર બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.