મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરની જ્યુબિલી શાકમાર્કેટ નજીક એક વિજિલન્સ પોલીસકર્મીની દાદાગીરીની ઘટના સામે આવી છે. જેમાં આ મહાશયે લાકડી બતાવી ગરીબ પાથરણા વાળા શાકભાજીનાં વેપારીઓ પર રોફ પણ જમાવ્યો હતો. એટલું જ નહીં લાતો મારીને શાકભાજી રસ્તા પર ફેંકી દઈને રીતસર આતંક મચાવ્યો હતો. જો કે ગરીબ લોકોએ તો મૂંગામોઢે તેનો અત્યાચાર સહન કર્યો હતો. પરંતુ કોઈ જાગૃત નાગરિકે ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. 

વિડીયોમાં જોઈ શકાય છે કે, જ્યુબિલી શાક માર્કેટ નજીક ગરીબ,નિર્દોષ શાકભાજીના ધંધાર્થીઓ ઉપર લાકડીઓ વિંઝીને વિજિલન્સ પોલીસનો આ જવાન પોતાની મર્દાનગી બતાવી રહ્યો છે. એટલું જ નહીં આ શાકભાજીને લાત મારી રોડ ઉપર ફંગોળી રહ્યો છે. જો કે બીજીતરફ શાકભાજીનાં વેપારીઓ તેના ગુસ્સાને પોતાનું નસીબ સમજી પોતપોતાના પોટલાં લઈને ભાગી રહ્યા છે. 


 

 

 

 

 

વિડીયો વાયરલ થતા વિજીલન્સના પોલીસમેન સામે ભારે રોષ ફેલાયો છે. અને તેની સામે કડક કાર્યવાહી કરવા બકાલીઓ તેમજ લોકો પણ એક સૂરે માંગણી કરી રહ્યા છે. શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા નિર્દોષ, ગરીબ શાકભાજીના વેપારીઓ પર રોફ જમાવનાર આ પોલીસમેને હવામાં લાકડીઓ વિંઝીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. તેમજ ગરીબ ધંધાર્થિઓએ વિનંતી કરવા છતાં સત્તાના મદમાં ભાન ભૂલેલા પોલીસમેને શાકભાજી રોડ ઉપર ફેંકી નુકશાન કર્યું હતું. ત્યારે આ દાદાગીરી કરનાર પોલીસમેન સામે આકરા પગલાં લેવાય તેવી માગણી થઇ રહી છે.