મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેર પોલીસ દ્વારા એક અનોખી પહેલ થઈ છે. જે અંતર્ગત ગુજરાતમાં સૌપ્રથમ આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલીમ કેન્દ્ર શરૂ કરાયું છે. રાજકોટ શહેર પોલીસની આ કલ્યાણકારી પહેલ, પોલીસકર્મીઓના પરિવારજનોને લાભદાયક રોજગારી પૂરી પાડવા માટે અને મહિલાઓને આર્થિક સશક્તિકરણમાં લાંબા ગાળે મદદરૂપ થાય તે ઉદેશથી કરવામાં આવી છે. જેની એક બેચ સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે. અને ટૂંક સમયમાં જ બીજી બેચ શરૂ કરવામાં આવનાર છે. 

આ અંગે વિગતો આપતા સામાજીક કાર્યકર્તા મિનલબા ગોહિલે જણાવ્યું હતું કે, મહિલાઓને પગભર કરવા આત્મનિર્ભર નારી સ્ટુડિયો - તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મેનેજર તરીકે 2 મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યાં છે. પોલીસકર્મીઓની પત્નીઓ, દીકરીઓ અને ખુદ્દ મહિલા પોલીસકર્મીઓ આ તાલીમ કેન્દ્ર સાથે જોડાયા છે. આ તાલીમ કેન્દ્રમાં પોલીસકર્મી સિવાયની મહિલાઓ પણ ભાગ લઈ શકે છે. 

આત્મનિર્ભર નારી સ્ટુડિયોનો ઉદ્દેશ છે કે તેમને બ્યુટી પાર્લરમાં આપવામાં આવતી વિવિધ સેવાઓની તાલીમ આપવી. આ ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓ દ્વારા 10 મહિલાઓએ પ્રારંભિક 2 મહિનાની તાલીમ લીધી હતી અને ગ્રાહકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને હાલમાં આત્મનિર્ભર નારી સ્ટુડિયો સંભાળી રહી છે. સાથે જ તાલીમાર્થીઓની બીજી બેચને ટૂંક સમયમાં તાલીમ આપવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.