મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરમાં પોલીસમેનનાં પુત્ર સહિતનાં ત્રણ શખ્સ ગેરકાયેસર પિસ્ટલ, જીવતા કારતૂસ સહિતનાં હથિયારો સાથે ઝડપાયા છે. વીંછિયા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ત્રિપલ સવારી બાઇક મોઢુકાથી વીંછિયા તરફ ગેરકાયદેસર હથિયાર સાથે આવી રહ્યું હોવાની માહિતી મળી હતી. જેના આધારે મામલતદાર કચેરી નજીક વોચ ગોઠવી પોલીસે ત્રણેય આરોપીને દેશી બનાવટની પિસ્‍ટલ અને  4 જીવતા કારટીસ સાથે ઝડપી લીધા છે. 

પોલીસની પૂછપરછમાં આરોપી છાસિયા ગામનો ભરત ભોળા માલકિયા, ચોટીલાનો વિજય પોપટ ચાવડા અને ચોટીલાના મોકાસર ગામનો ભાવેશ વિનુ રાજપરા હોવાનું સામે આવ્યું હતું. ત્રણેય શખ્સની તલાશી લેતા ભાવેશ રાજપરાના પેન્ટના નેફામાંથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી હતી. હથિયાર ચેક કરતા તેના મેગઝિનમાંથી ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી ત્રણેય શખ્સને સકંજામાં લઇ પોલીસમથક લઇ જવાયા હતા. 

આરોપી ભરત અને વિજય ખેતીકામ કરે છે. જ્યારે ભાવેશ અભ્યાસ કરે છે અને તેના પિતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા હોવાનું તેમજ તે હાલમાં સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. હથિયાર અંગેની પ્રાથમિક પૂછપરછમાં પૈસાની લેતીદેતી મુદ્દે મોઢુકા વિસ્તારમાં માથાકૂટ કરવા જતા હોવાની કેફિયત આપી છે. વીંછિયા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી હથિયાર, કારતૂસ, ત્રણેયના મોબાઇલ કબજે લઇ ધરપકડની તજવીજ હાથ ધરી છે.