મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેર પોલીસે ગુનેગારો સામે લાલ આંખ કરી હોય તેમ એક પછી એક મહત્વનાં નિર્ણયો લેવાઈ રહ્યા છે. આજે શહેરમાં પહેલીવાર જાહેરમાં સિગરેટ ફૂંકનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ વધુ એક મહત્વનો નિર્ણય લેતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે યુવતિની છેડતી કરનાર બે શખ્સોને 'પાસા' હેઠળ ધકેલ્યા છે. 

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરમાં સૌપ્રથમ જાહેરમાં સિગરેટ પીવાનો ગુનો નોંધાયો છે. જેમાં માસ્ક ઉતારીને સિગરેટ પીનાર મનીષ ચૌધરી નામના 42 વર્ષીય શખ્સને જાહેરમાં સિગરેટ પીવા માટે રૂ. 200 અને માસ્ક નહીં પહેરવા માટે રૂ. 1000 મળીને કુલ રૂ. 1200નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેને લઈ અનેક વ્યસનીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

બીજીતરફ ક્રિસ્ટલ મોલ ખાતે યુવતિની છેડતી કરનાર ચાર પૈકી અનમોલ વાળા, કાળું ઉર્ફે ચિરાગ મકવાણાને પાસામાં ધકેલવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આ બંને નિર્ણયોને લઈને લોકો પોલીસની ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં કદાચ એવું પહેલીવાર છે કે, જેમાં છેડતીનાં આરોપીઓને 'પાસા'માં ધકેલવામાં આવ્યા છે.