મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાં નિયમોનું પાલન કરાવવું જેમની જવાબદારી છે, તેવા પોલીસ કર્મચારીઓ દ્વારા જ નિયમનું પાલન નહીં કરાતું હોવાની ઘટના સામે આવી છે. એક જાગૃત નાગરિકે પોલીસ દ્વારા કરવામાં આવેલા નિયમોના ઉલાળીયાનો વિડીયો વાયરલ કર્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓનાં વાહનોમાં જ નંબર પ્લેટ નહીં હોવાનું જોઈ શકાય છે. આ વિડીયો સામે આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

જામનગર રોડ ઓવરબ્રીજ પાસે ટ્રાફિક પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું. જેમાં પોલીસ દ્વારા વાહનોને રોકી તેમની પાસેથી જરૂરી કાગળો માંગવામાં આવતા હતા. અને ફેન્સી નંબર પ્લેટ સહિતના ટ્રાફીક નિયમનાં ભંગ બદલ દંડ ફટકારાઈ રહ્યો હતો. જો કે એક વાહન ચાલકને નંબર પ્લેટ માટે રોકવામાં આવતા તેણે વિડીયો બનાવી પોલીસની પોલ ખોલી હતી. અને પોલીસકર્મી પોતે જ નિયમોનું પાલન નહીં કરતા હોવાનું જણાવ્યું હતું. 


 

 

 

 

 

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોલીસ અધિકારી તેમજ બ્રિગેડના જવાનોનાં વાહનો પૈકી એક પોલીસ લખેલ બાઇકમાં નંબર પ્લેટ નથી. તો એક વાહનમાં તો નંબર પ્લેટ છે પણ તેમાં નંબર નથી. જ્યારે અન્ય એક વાહનમાં તો જાતિ આધારિત લખાણ લખવામાં આવ્યું હતું. વાયરલ થયેલા વિડિયોમાં ઇન્સ્પેકટર કક્ષાના એક અધિકારીને યુવક તેમને કહે છે કે, તમારા જ સ્ટાફનાં વાહનોમાં નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી છે. ત્યારે આ અધિકારી યુવકને કહે છે કે, તમે આરામથી વિડીયો ઉતારી લો !