મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ અમદાવાદ રાજકોટ હાઈવે પર માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે પોલીસે એક શખ્સને 16.54 કિલો ગાંજા સાથે ઝડપ્યો છે. પોલીસ દ્વારા આ શખ્સે પકડી પડાયો છે. આ શખ્સની પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે તે એક જાણિતો ગુજરાતી ગાયક કલાકાર છે. અંદાજે 1 લાખની કિંમત ધરાવતો ગાંજો લઈને જઈ રહેલા આ કલાકારને એસઓજી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એસઓજીના પો. ઈન્સપેક્ટર આર વાયર રાવલની રાહબરી હેઠળ પીએસઆઈ એમ એસ અંસારી કોન્સટેબલ જીતુભા ઝાલા, ફિરોજભાઈ રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા, પેરોલ ફર્લો સ્ક્વોડના કોન્સ્ટેબલ અઝરુદ્દીનભાઈ બુખારી, હે.કો. ઝહીરભાઈ ખફીફ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે માલિયાસણ ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે એક સફેદ કલરની GJ 14 AA 1515નં ની આઈ 20 કાર પાસ થવાની છે. જેમાં ગાંજો છે.

પોલીસે બાતમી આધારે ત્યાં વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ત્યાંથી તે જ પ્રકારની કાર પાસ થઈ તો પોલીસે તેને રોકીને કારનું ચેકિંગ શરૂ કર્યું. પોલીસે તેને નામ પુછ્યું તો તેણે કહ્યું કે તેનું નામ મનીષદાન નવલદાન બાદાણી છે. તે 32 વર્ષનો છે. આમ તો તે ગાય કલાકાર છે. પોલીસે તેને ક્યાં રહેવાનું તેવું પુછતાં તેણે જવાબ આપ્યો કે તે અવધ રેસિડન્સી, વિનાયક વાટીકા સામે માધાપર ચોકડી ખાતે રહે છે. પોલીસે તેની ગાડીની તપાસ કરી તો ગાડીમાં પાછળની સીટમાં એક સ્કૂલ બેગ જેવા બે કાળા થેલા હતા.

આ થલા ખોલીને તપાસ કરી તો તેની અંદર ત્રણ બોક્સ એમ બંને થેલામાંથી છ બોક્સ નીકળ્યા. બોક્સની એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવામાં આવી તો તેમણે આ બોક્સમાં ગાંજો હોવાનું સ્પષ્ટીકરણ આપ્યું. પોલીસે તેનું વજન કરાવ્યું તો 16.54 કિલો ગાંજો હતો. જેની કિંમત અંદાજે 97524 રૂપિયા થતી હતી અને ગાડીની કિંમત રૂ. 4,00,000, મોબાઈલ કિંમત રૂ. 10,000. પોલીસે આરોપી પાસે મળેલી વસ્તુઓ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.