મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: અમદાવાદ, જામનગર, વડોદરા સહિત ઘણા શહેરો કે જ્યાં સ્માર્ટ સીટી, વિકાસ, પારદર્શક વહીવટ વગેરે જેવા મોટા મોટા શબ્દો ત્યાં સુધી સાંભળવા ગમે જ્યાં સુધી પોતાનું કોઈ સ્વજન આવી ભયાવહ મોત ન મરે. જોકે આવું ક્યારેય કોઈની સાથે ન થાય તેવી સદેવ પ્રાથના છે. ફાયર વિભાગે 8 વ્યક્તિઓના જીવ બચાવી લીધા તે અને તેમના સ્વજનોએ તેમનો આભાર માન્યો પરંતુ જેમના સ્વજન રાજકોટની હોસ્પિટલની આગમાં ભૂંજાઈ ગયા તેમના સ્વજનો હજુ પણ શોકમાં છે. વારંવાર હોસ્પિટલ્સમાં બનતી આગની ઘટનાઓમાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે તંત્ર માટે હજુ પણ આ ઘટનાઓ કોઈ મોટો પરચો આપી ગઈ હોય તેવું દેખાતું નથી. અમદાવાદમાં જ્યારે પહેલીવાર ઘટના બની ત્યારે ભારે ઉહાપોહ મચ્યો હતો અને જેમ જેમ દિવસો સામાન્ય થયા તેમ તેમ તે ઘટનામાં શું થઈ રહ્યું છે તે તમારી સામે છે.

રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગત મોડીરાત્રે ભીષણ આગ લાગી હતી. અહીં આગ લાગવાનું કારણ એ હતું કે, હોસ્પિટલના બીજા માળની મશીનરીમાં શોટ સર્કિટ થયું હતું. તંત્ર દ્વારા પ્રારંભીક તપાસમાં આ કારણ સામે આવ્યું છે. આગ એટલી ભયાનક હતી કે અહીં પાંચ દર્દીઓ જીવતા ભૂંજાઇ ગયા છે. બીજા માળે આવેલા ICU વોર્ડમાં કુલ 13 દર્દીઓ હતા. જે પૈકી 8 દર્દીને ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા, પણ 5 દર્દીઓ તેમના જેટલા નસીબદાર ન્હોતા અને તેમના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઘટનાને પગલે દોડી આવેલા ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ કર્યો છે પણ અહીંના આગથી કાળા થયેલા દ્રશ્યો તંત્રના મોંઢું કાળું કરી રહ્યા હોય તેવું લાગે છે. 

ગત સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ (કોરોના)ને મંજૂરી આપવામાં આવી હતી. આગમાં ફાયર સેફટીના સાધનો તેમજ ફાયર NOC સહિતના તમામ જરૂરી દસ્તાવેજો બળી ગયા હોવાનો દાવો હોસ્પિટલના સંચાલક દ્વારા કરાયો છે. મ્યુ. કમિશ્નરના જણાવ્યા મુજબ શિવાનંદ હોસ્પિટલે ફાયર એન.ઓ.સી લીધેલી છે, પણ એક્ઝિટ ગેટ અંગે તપાસ કરવામાં આવશે અને બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બાજુ વિપક્ષ નેતાએ વસરામ સાગઠિયાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને આક્ષેપ કર્યો કે હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરતા ન આવડ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટનામાં ત્વરિત કાર્યવાહીનાં અદેશો આપ્યા છે.

મૃતકોનાં નામ

રામસિંહ ભાઈ
નિતિનભાઇ બાદાણી
રશિકલાલ અગ્રવાત
સંજય રાઠોડ
કેશુભાઈ અકબરી