મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની ગતરોજ કલેક્ટર ઓફિસે જણસી દાનમાં આપવા જતાં અટકાયત કર્યા બાદ રાજકીય માહોલ ડોહળાયો છે. પોલીસ પર પાલ આંબલિયાને માર મરાયાના આક્ષેપ થઈ રહ્યા છે. બુધવારે પાલ આંબલિયાને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા જ્યાં તેમને પોલીસે ઢોર માર માર્યો હોવાના આક્ષેપ થયો છે. પાલ આંબલિયાની હાલત લથડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગરના ઈશારે પોલીસ કામ કરી રહી છે. કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખને પોલીસ કસ્ટડીમાં ઢોરમાર માર્યો છે. ડુંગળી, કપાસ, એરંડાના ભાવો સાવ તળીયે હોવાને કારણે ખેડૂતો રોષે ભરાયા હતા. આ મામલે બુધવારે ખેડૂતો પીએમ કેર ફંડમાં આ બધી જણસી દાનમાં આપી દેવા માટે કલેક્ટર ઓફીસે ગયા હતા જ્યાં પોલીસે તેમને અટકાવી દીધા હતા. તેમનું કહેવું હતું કે, તેઓ જણસી દાનમાં આપવા આવ્યા છે. લગભગ પચાસ ટકા ભાવો ઉતરી ગયા છે. પ્રધાનમંત્રી રાહત ફંડમાં આ જણસી અમે દાનમાં આપવા આવ્યા છે. હાલ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. છતાં સરકારની આંખ ઉઘડતી નથી, હજુ પોષણક્ષમ ભાવો અંગે જાહેરાત કરી નથી. દાન આપવું એ ગુનો નથી.

આ દરમિયાન પોલીસ ત્યાં આવી ચઢી હતી અને ખેડૂતો પાસેની વસ્તુઓ જપ્ત કરી લીધી હતી અને પાલ આંબલિયા સહિત બે ખેડૂતોની અટકાયત કરી લીધી હતી. આ દરમિયાન પાલ આંબલિયાને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.