મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ગતરાત્રે શહેરના કાલાવડ રોડ પર આવેલી કટારીયા ચોકડી પાસે કાર ચાલક હોમગાર્ડ જવાનને ત્રણ લોકો ખખડાવતા હોવાનો વિડીયો હાલ વાયરલ થયો છે. જેમાં હોમગાર્ડનાં જવાને કાલાવડ રોડ પરથી પસાર થતા જાહેરમાં ચાલુ કારે પિચકારી મારી હતી. જેને લઈને કોઈ બાળકને ઇજા થતાં યુવાનોએ તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. અને જવાનને પણ માફી માંગવા મજબૂર થવું પડ્યું હતું. જો કે સ્થળ પર હાજર પોલીસકર્મીઓ તમાશો નિહાળતા હતા.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પાછળ પોલીસ લખેલી એક કાર પાસે ખાખી ડ્રેસ પહેરેલા એક યુવાનને બે ત્રણ શખ્સો ખુબ ઉંચા અવાજે ખખડાવે છે. તેમજ કહે છે કે, "પોલીસ હોય એટલે મારી નાંખવાના? ઓલા છોકરાને અમે હોસ્પિટલે દાખલ કરીને આવ્યા છીએ... ઓળખતો નથી હો તું, મમરા ભરી દઇશ...સામે ખાખી કપડા પહેરલ વ્યકિત સોરી-સોરી મારી ભુલ થઇ એવું કહે છે. ભુલ શેની? પોલીસ હોય તો જવાબદારી તો રાખવી જોઇએ ને, તેમ કહીને બીજો એક શખ્સ પણ ધમકાવે છે.


 

 

 

 

 

સોશિયલ મિડીયામાં વાયરલ થયેલો વિડીયો જોતાં અને વાતચીત સાંભળતા લાગે છે કે પોલીસ લખેલી કારના ચાલકે અકસ્માત સર્જ્યા બાદ એક છોકરાને ઇજા થઇ હતી. અને બાદમાં કાર ભગાવી મુકી હતી. એ પછી કેટલાક યુવક જેમાંથી એકના હાથમાં લાઠી પણ છે એ કારનો પીછો કરી કારને આંતરી લે છે અને બાદમાં કાર ચાલકને બેફામ ખખડાવે છે. એક યુવક બીજા ખાખી વર્દીધારીની સામે જોઇને બોલે છે-મામા અમે આની ઇજ્જત કરીએ છીએ.