મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ભાદર-2 માં છોડવામાં અવતા કેમિકલયુક્ત પાણી મુદ્દે ધોરાજી કોંગ્રેસના MLA લલિત વસોયાએ જળસમાધિ લેવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત કોંગ્રેસના 11 ધારાસભ્યો સહિત પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ ભુખી ગામે પહોંચ્યા હતા. જો કે સભા પુરી થતા જ ડેમ પાસે પહોંચે તે પહેલાં જ પોલીસે લલિત વસોયા અને હાર્દિક પટેલની અટકાયત કરી હતી. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે આ આંદોલન રોકવા પોતાને 50 લાખ તેમજ વસોયાને 1 કરોડની ઓફર કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.

જળસમાધિના હાઈપ્રોફાઈલ ડ્રામાનો ઘટનાક્રમ

ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જળસમાધિ લેવાનું જાહેર કર્યું હતું. જેમાં 11 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો તેમજ પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ આવી પહોંચ્યા હતા. જેને લઈને નાનકડું ભુખી ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. આ તકે હાર્દિક અને વસોયાએ સભા સંબોધીને ભાદર-2 માં થતા પ્રદુષણ મુદ્દે સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમજ અમુક ઉધોગપતિઓને ફાયદો આપવા માટે લાખો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. 

સભા પુરી થયા બાદ તેઓ જળસમાધિ લેવા ડેમ સુધી પહોંચે તે પહેલાં જ પોલીસે હાર્દિક અને વસોયાની અટકાયત કરી હતી. આ તકે વસોયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. જો કે અંતે પોલીસે બંનેની અટકાયત કરી લીધી હતી. બાદમાં તેઓને જેતપુર પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન હાર્દિકે જણાવ્યું હતું કે, આ સભામાં ન આવવા માટે મને રૂપિયા 50 લાખની ઓફર કરવામાં આવી હતી.

લલિત વસોયાએ કહ્યું હતું કે આ આંદોલન શરૂ કર્યું ત્યારથી જ મને 25 લાખથી માંડીને રૂ. 1 કરોડ સુધીની ઓફરો મળી રહી છે. તેમજ છેલ્લે તો મોઢે માંગ્યા રૂપિયા આપવાનું પણ જણાવાયુ હતુ, પરંતુ મારા માટે રૂપિયા કરતા લાખો લોકોનું આરોગ્ય વધુ મહત્વનું છે. એટલે આગામી સમયમાં પણ આ આંદોલન ચાલુ જ રાખવામાં આવશે. તેમજ આ આંદોલનને કારણે જ પોતાના જીવને જોખમ હોવાની દહેશત પણ તેમણે વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ તકે મોટી સંખ્યામાં નજીકના ગામોમાંથી પણ લોકો અહીં ઉમટી પડ્યા હતા. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઘાડેધડા ઉતારી દેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, વસોયાને માત્ર સભાની મંજૂરી જ આપવામાં આવી હતી. જેને લઈને તેમણે જળસમાધિ લેવાનો પ્રયાસ કરતા જ તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.