મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : નોટબંધીને ચાર વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે તેમ છતાં અવારનવાર રદ કરવામાં આવેલી રૂપિયા 500 અને રૂપિયા 1000 ના દરની ચલણી નોટો મળી આવતી હોય છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત રદ કરવામાં આવેલી રૂપિયા 500ના દરની 36 લાખ રૂપિયાની જૂની નોટો ઝડપી પાડી છે. તો સાથે જ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. 

સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ હસમુખ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, મારી ટીમને બાતમી મળી હતી કે, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડા ગામે રહેતો હરેશ ભાઈ જેસીંગભાઇ ચાવડા નામનો વ્યક્તિ પોતાના પિતરાઈ સાથે રાજકોટ શહેરમાં રદ કરવામાં આવેલી ચલણી નોટો એક્સચેન્જ કરવા આવ્યો છે. તો સાથે જ મેહુલ ઉર્ફે મૌલિક લાલજીભાઈ બાબરીયા કે જે ધોરાજી ગામનો છે તે રદ થયેલી ચલણી નોટ એક્સચેન્જ કરી કમિશન મેળવવાનો છે.

આ બાતમીના આધારે આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતાં બંસીધર કાંટાની સામે રામ પાર્કના ખૂણેથી ત્રણેય આરોપીઓ ઝડપાઇ જતાં તેમની અટક કરવામાં આવી છે. તો સાથોસાથ તેમની પાસે રહેલી 36 લાખ રૂપિયાની રદ કરવામાં આવેલી ચલણી નોટો કબ્જે લેવામાં આવી છે. હાલ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે કે મેહુલ અને હરેશ છેલ્લા એક-દોઢ વર્ષથી એકબીજાના પરિચયમાં છે.

જેમાં હરેશે પોતાની રદ કરવામાં આવેલી ચલણી નોટ હોવાનું મેહુલને જણાવ્યું હતું. જે સંદર્ભે મેહુલે હરેશ મેં કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માં મારું સેટિંગ છે જ્યાં હું રદ થયેલી ચલણી નોટ બદલાવી આપીશ. જોકે ત્રણેયની વધુ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી.