મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેર પોલીસે છેલ્લા 6 માસ દરમ્યાન ઝડપી લીધેલા કરોડોનાં વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દઈ પ્યાસીઓનાં કાળજા બાળી નાખ્યા છે. આજે DCP મનોહરસિંહ જાડેજા એસીપી ડીવી બસીયા પીઆઇ વીકે ગઢવી સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ કોર્ટનાં આદેશ અનુસાર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિશાળ પટમાં દારૂ અને બીયરની તમામ બોટલો અને બીયરના ટીનનો જથ્થો પાથરી દઇ બાદમાં તેના પર બૂલડોઝર ફેરવી દેવાયું હતું.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે શહેરમાં ગેરકાયદેસર રીતે આયાત થયેલા અને પકડાયેલા વિદેશી દારૂ, બીયરના જથ્થાનો નાશ કરવાનો હુકમ કોર્ટ દ્વારા થાય છે. ત્યારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચના-માર્ગદર્શન હેઠળ 2020માં છેલ્લા છ મહિનામાં શહેર પોલીસના અલગ-અલગ ઝોને દારૂ બીયર પકડ્યો હતો. જેમાં સૌથી વધુ વિદેશી દારૂ ઝોન-1 હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં પકડાયો હતો.


 

 

 

 

 

જેમાં દારૂના 256 કેસમાં 28,359 બોટલ-ટીન મળી રૂ. 1,05,94,451નો જથ્થો પકડાયો હતો. આ ઉપરાંત ઝોન-2 હેઠળના પોલીસ સ્ટેશનોમાં દારૂના 147 કેસમાં 4,016 બોટલ-ટીન રૂ. 16,63,999નો જથ્થો કબજે થયો હતો. તેમજ ક્રાઇમ બ્રાંચ, ડીસીબી, એસઓજી પોલીસે દારૂના 97 કેસમાં 4,681 બોટલો, ટીનનો રૂ. 1,86,55,430નો જથ્થો પકડ્યો હતો. આમ એક વર્ષમાં કુલ 500 દારૂના કેસમાં 78,646 બોટલો જપ્ત કરવામાં આવી હતી. જેની અંદાજીત કિંમત રૂપિયા 3,09,13,880 થાય છે.