પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.રાજકોટ): આમ તો કોઈ પણ વ્યકિતને પોતાના નામની આગળ ડૉકટર શબ્દ લખાય તે ગમતી જ વાત હોય પરંતુ હવે રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ નરેશ સોંલકીના નામની આગળ પણ ડૉ. નરેશ સોંલકી લખાવવાની શરૂઆત થઈ છે.  જો કે નરેશ સોંલકી મેડીકલ ડૉકટર થયા નથી, પણ તે કરતા પણ વિશેષ બાબત એવી છે કે પોલીસ સતત રાત દિવસની ઉજાગરાની નોકરી વચ્ચે તેમણે અમૃત ઘાયલની ગઝલનો અભ્યાસ કરી તેના ઉપર કરેલા સંશોધનને કારણે સૌરાષ્ટ્ર  યુનિર્વસિટી દ્વારા તેમને તેમને ડૉકટરેની ઉપાધી આપવામાં આવી છે. સતત સાત વર્ષની મહેનત બાદ તેમણે અમૃત ઘાયલની ગઝલનોનું  અધ્યન કરી પીએચડીની  ડીગ્રી મેળવી છે.

ગોંડલ પાસે આવેલા નાનકડી આંબરડી ગામના વતની નરેશ સોંલકીના પિતા પણ પોલીસમાં જ નોકરી કરતા હતા, જો કે નરેશ સાત વર્ષના હતા ત્યારે પિતા મૃત્યુ પામ્યા, નરેશ અને તેના નાનાભાઈ સહિત બહેનને મોટા કરવાની જવાબદારી દાદીએ ઉપાડી હતી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આંબરડીમાં જ લીધુ અને કોલેજ કરવા નરેશ રાજકોટ આવી ગયા, જીવ તો પહેલાથી સાહિત્યનો હતો. પ્રિય સાહિત્યકારમાં અમૃત ઘાયલ સાથે એક જુદા પ્રકારનો લગાવ હતો. ઘાયલને વાંચીને લાગ્યું કે હજી તો ઘણી સફર  કરવી પડશે અને રાજકોટમાં બીએ અને એમએ ગુજરાતી ભાષા સાથે કર્યું.

જો કે આ દરમિયાન પિતાની જગ્યાએ પોલીસમાં કોન્સટેબલ તરીકે નોકરી મળી પણ અમૃત ઘાયલ અને ગુજરાતી સાહિત્યથી પીછો છોડાવી શકયા નહીં. ખાખીની અંદર રહેલા એક કવિ અને સાહિત્યકારને તેમણે જીવતો રાખ્યો. પોલીસની નોકરીમાંથી સમય મળે તેઓ સાહિત્ય રસિકો વચ્ચે પહોંચી જતા હતા. કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથે કવિ સંમેલનમાં જવું જાણે ફેફસામાં શ્વાસ ભરવા જેવું કામ હતું. અમદાવાદ સહિત વિવિધ શહેરમાં થતાં કવિ સંમેલનનો નરેશ હિસ્સો બનવા લાગ્યા હતા. રાજકોટ પોલીસના અધિકારીઓ અને તેમના મિત્રો કદાચ નરેશની આ જીંદગીથી અજાણ હતા, પરંતુ હાલમાં રાજકોટ પોલીસ કંટ્રોલરૂમમાં બેસી લોકોની ફરિયાદ સાંભળી ફરિયાદ નોંધતા નરેશ સોંલકીનું અજાગૃત મન તો સતત ઘાયલ સાહેબને વાંચી રહ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના વડા ડૉ. નીતિન વડગામા સાથે નરેશ સોંલકી રોજ કલાકો ગળતા હતા, કારણ નીતિન વડગામા તેમના પીએચડીના ગાઈડ હતા. સાત વર્ષની મહેનત થોડા દિવસ પહેલા રંગ લાવી અને સૌરાષ્ટ્ર યુનિર્વસિટી દ્વારા અમૃત ઘાયલની ગઝલના અધ્યનને માન્ય રાખી નરેશ સોંલકીની પીએચડીની ડીગ્રી એનાયત કરી. હવે ગુજરાત પોલીસના આ પહેલા કોન્સટેબલ છે જેમના નામની આગળ ડૉ. નરેશ સોંલકી લખાય છે.  તો આમ તો નેતા અને અભિનેતા સાથે સેલ્ફી લેવાનો મને શોખ નથી, પણ ડૉ. નરેશ સોંલકીને સાંભળ્યા પછી મને લાગ્યું કે એક વખત તો ડૉ. નરેશ સોંલકી સાથે સેલ્ફી લેવી જ પડશે.