મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને નિયમોનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ નિયમો તોડનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ તેમણે આપી છે. કમિશ્નરનાં જણાવ્યા મુજબ સંક્રમણ રોકવા મનપા તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતનાં નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે પોઝિટિવ નોંધાતા દર્દીઓના ફોન ટ્રેસ કરી તેના સંપર્કમાં આવેલા લોકોને ફરજીયાત સપ્તાહ સુધી કવોરંટાઈન કરવામાં આવશે. દિવાળીના તહેવારમાં મળેલી છુટને લીધે કોરોના ફરી વકર્યો છે. જેથી રાજકોટ ફરી ચિંતાજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં કોરોનાની ચેઇન તોડવા માટે જ આ નિર્ણય કરાયો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

વધુમાં કવોરંટાઈન કરાયેલા વ્યક્તિ જો નિયમોનો ભંગ કરશે તો તેઓને ફેસેલિટી કવોરંટાઈન સેન્ટરમાં મોકલી દેવામાં આવશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનો પણ ફરજીયાત ઉપયોગ કરવો, ટુ-વહીલરમાં 2 અને ફોર વહીલમાં પણ ત્રણથી વધુ લોકોને ન બેસવું, ભીડ એકઠી ન કરવી વગેરે જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. અને વધુમાં વધુ લોકોને કોરોનાની મહામારીથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.