મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સાણંદ બાવળા રોડ પર આજે ગુરુવારે રાજકોટના પોલીસ કમિશનરની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં કમિશનર અને તેમના ડ્રાઈવર સલામત છે પરંતુ એક બાઈક ચાલકનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. અકસ્માતને પગલે ભારે ચકચાર મચી ગઈ છે.

મળી રહેલી વિગતો અનુસાર, રાજકોટ પોલીસ કમિશનર ગાંધીનગરથી પરત જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો છે. આજે સવારે ગાંધીનગરથી આવી રહેલા રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની મોટર સાથે બાવળા પાસે ડ્રાઈવરની પાછળની સાઈડે મોટર સાયકલ પૂરપાટ ઝડપે અથડાઈ હતી. જોકે પોલીસ કમિશ્નર કે ડ્રાઈવરને કોઈ ઈજા થઈ નથી. મનોજ અગ્રવાલે તુરંત જ ૧૦૮ને બોલાવી મોટર સાયકલ ચાલકને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. અકસ્માતમાં કમિશ્નર અગ્રવાલની કારને પણ નુકશાન થયું છે. જો કે ડ્રાઈવર અને પોલીસ કમિશ્નરને કોઈ ઈજા થઈ નથી.

જોકે હજુ આ અકસ્માતની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે તે મેળવતાની સાથે જ અહીં આપને તેની જાણકારી અપાશે.