મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેર પોલીસને શર્મસાર કરતી જુદી-જુદી બે ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રથમ ઘટનામાં કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે લોક રક્ષક ઝડપાયા છે. તો બીજી ઘટનામાં એક માસ અગાઉ ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પી આપઘાત કરનાર એક યુવકે એક પોલીસ કોન્સ્ટેબલની ધમકીથી ડરીને આ પગલું ભર્યાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસ કોન્સ્ટેબલ યુવકને ધમકી આપી રહ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે.

પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવા મજબૂર કરવાના બનાવ અંગે ગત 19 ડિસેમ્બરે આત્મહત્યા કરનાર વિક્રમ ખાંડેખાનાં ભાઈ વિજયે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ ભરત સવસેટાનાં સાળાની પત્ની સાથે મૃતક સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો. જેને પગલે ભરતે તેને આ સંપર્ક તોડી નહીં નાખે તો દુષ્કર્મનાં કેસમાં જ ફંસાવી દેવાની સાથે જાનથી મારવાની ધમકી આપી હતી.


 

 

 

 

 

પોલીસ કોન્સ્ટેબલની ધમકીથી ડરીને વિક્રમ ખાંડેખા અશ્વિન ગેસ્ટ હાઉસમાં પહોંચ્યો હતો. અને ત્યાં જ ઝેરી દવા પીને જીવતરનો અંત આણ્યો હતો. ફરિયાદ કરવાની સાથે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ધમકી અપાઈ હોવાના સીસીટીવી પણ રજૂ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજીતરફ મોરબી જિલ્લાના જાંબુડીયા ગામ નજીક દારૂ ભરેલ સ્કોર્પિયો કારને અકસ્માત નડ્યો હતો. આ અંગે ચાલી રહેલી તપાસમાં આ કારમાં માલવીયાનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા બે લોકરક્ષક જવાનો વિદેશી દારૂ લઈને આવતા હોવાનું સામે આવ્યું હતું. જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને મોરબીની તાલુકા પોલીસે બંને જવાનો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.