મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ શહેર પોલીસ દ્વારા સંતાઈને પબજી ગેમ રમતા ૭ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સુરતમાં પણ પબજી ગેમ રમવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જ્યારે થોડા જ દિવસો અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ આ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજકોટમાં પોલીસ કમિશનર દ્વારા આ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે સંતાઈને છૂપાઈને પબજી ગેમ રમાઈ રહી હોવાની માહિતી મળતાં પોલીસે ૭ શખ્સોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા અંતર્ગત પબજી ગેમ પર પ્રતિબંધ હતો તેમ છતાં પોલીસને માહિતી મળી હતી કે શહેરમાં આ ગેમ રમાય છે. તેથી પોલીસે તુરંત એક્ષન લેતાં એક જ દિવસમાં ૭ શખ્સોને પબજી ગેમ રમતા ઝડપી પાડ્યા છે. પકડાયેલા આ શખ્સો સામે પોલીસ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે પબજી ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. આ અંગે વાલીઓ પણ બાળકોના અભ્યાસને લઇને ચિંતીત છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશન દ્વારા બાળકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 09 માર્ચથી જાહેરનામાનું અમલ શરૂ કર્યો છે.