મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટના 80 ફૂટ રોડ ઉપર બાબરાના શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાના 24 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીની મદદથી રાજકોટના ભારતનગર શેરી નં.8માં રહેતો આરોપી હરદેવ મશરૂ માંગરોળિયાને ઝડપી પાડ્યો છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, હરદેવે દારૂના નશામાં હોંશ ખોઇ આ ગુનાને અંજામ આપ્યો હતો. જે પુલ નીચે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું ત્યાં જ આરોપી અન્ય શખ્સો સાથે દારૂ પીતો હતો. હરદેવ નજીકની ફેક્ટરીમાં મજૂરીકામ કરતો હતો. આરોપી અગાઉ કોઇ ગુનામાં સંડોવાયેલો નથી. પોલીસે આઇ.પી.સી. કલમ 363,366,376(એ)(બી), 506(2) પોક્સો કલમ 4, 6 અને જી.પી.એક્ટ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે. ડી.સી.બી., એસઓજી અને સબ ઇન્સ્પેક્ટરની અલગ અલગ 10 ટીમો બનાવી બનાવની બાજુની જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા આઇવે પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી હતી.

આ અંગે રાજકોટ પોલીસે આરોપી અંગે જણાવતા કહ્યું કે, 'આ આરોપીનું નામ હરદેવ માંગરોળીયા છે. તે રાજકોટનો જ રહેવાસી છે. તે તેના ભાઇ ભાભી સાથે રહે છે. તે રાજકોટની જ એક ફેક્ટરીમાં મજૂરી કામ કરે છે.'  આ અંગે આગળ જણાવતા કહ્યું કે, 'આ આરોપી હરદેવે દેશી દારૂ અને ચરસનું સેવન કર્યું હતું. આરોપીએ કબૂલાત કરતા કહ્યું કે, તે રાતે મેં વધારે દારૂનું સેવન કર્યું હતું. એટલે હું હોશમાં ન હતો એટલે આવું કૃત્ય કર્યું. આરોપીએ એ પણ કબૂલાત કરી કે તે તેના મિત્ર સાથે મળીને અનેકવાર પૂલિયાની નીચે બેસીને દારૂ પીતા હતા. એટલે મને તે જગ્યાની જાણ હતી. આ આરોપી રોજ 50થી 60 કિલોનું વજન ઊંચકવાનું કામ કરતો હતો જેના કારણે તેને બાળકીને ઊંચકવામાં મુશ્કેલી પડી નહીં.'  નજીકના નાળામાં લઇ ગયો હતો અને ત્યાં બાળા સાથે મોબાઇલ ફોનની ટોર્ચ લાઇટથી અંજવાળુ કરી દુષ્કર્મ આચર્યુ હતું. હરદેવે કબૂલ્યા મુજબ જ્યાં દૂષ્કર્મ આચર્યુ એ સ્થળથી થોડે જ દૂર રેતીના ઢગલા પર જઇ સુઇ ગયો હતો. પોલીસે પંદર-વીસ જેટલા શકમંદોને ઉઠાવ્યા હતાં. જેમાં આ હવસખોર પણ હાથમાં આવી ગયો હતો. પોલીસે રાતે જ હવસખોર હરદેવને ઘટના સ્થળે લઇ જઇ પૂછતાછ કરતાં તેણે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરી બતાવ્યું હતું.

આ કેસમાં સફળતા મેળવવામાં ફોરેન્સિક અને ડોગ સ્કોવર્ડની પણ મદદ લેવામાં આવી હતી. આરોપીનાં શર્ટ પરથી લોહીનાં ડાઘા મળી આવ્યાં હતાં. તેની પણ એફએસએલમાં તપાસ હાથ ધરાશે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આરોપીની 24 કલાકમાં જ ધરપકડ કરવા બદલ, એસઓજી ટીમ, થોરાળા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને આઇવે પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરનાર કર્મચારીઓને 15-15 હજારનું એટલે કે કુલ 45 હજારનું ઇનામ આપવામાં આવ્યું છે. તેમજ રઘુવીર યુવા સેના રાજકોટ દ્વારા પોલીસને 25 હજારનું ઇનામ આપવામાં આવ્યું છે. આ તમામ ઇનામની રકમ પોલીસ તરફથી ભોગ બનનાર બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યું હતું

આ કેસમાં દેશી દારૂનું સેવન જવાબદાર હોવાને કારણે, આવતા સપ્તાહમાં શહેરમાં સ્પેશિઅલ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પેટ્રોલિંગ પીસીઆર બે શિફ્ટમાં રાખવામાં આવશે. પીસીઆરમાં કામ કરતાં કર્મચારીઓને અન્ય કોઇપણ જવાબદારી સોંપવામાં આવશે નહીં. જેથી આ લોકો વધારે સારી રીતે કામ કરી શકે અને આવા જધન્ય કૃત્ય ફરી ન થાય. પોલીસ દ્વારા દેશી દારૂ અને વિદેશી દારૂ સામે કડક કાર્યવાહી કરી રેડ કરવામાં આવશે.

રાજકોટ બાર એસોસિએશન દ્વારા રાજકોટમાં ગઇકાલે બનેલી ઘટના કે જેમાં 8 વર્ષની બાળકી પર નરાધમનો દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો હતો એ સંદર્ભમાં આ બનાવને રાજકોટ બાર એસોસિએશન શબ્દોમાં વખોડી કાઢે છે. તેમજ આરોપીવતી કોઈ પણ એડવોકેટે આરોપીનો કેસ ન લડવો તેઓ સર્ક્યુલર ઠરાવ જાહેર કર્યો છે. આ ઉપરાંત પીડિતાને યોગ્ય ન્યાય મળે તે માટે અને તેના સમર્થનમાં આવતીકાલે 12 વાગે સિવિલ કોર્ટ બિલ્ડીંગ નીચે સૂત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ રાખ્યો છે.