મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં ભાવનગર રોડ ખાતે કોર્પોરેશનના બગીચામાં ખુલ્લી જગ્યા પર સુઈ રહેતા એક શ્રમજીવી પરિવારની 8 વર્ષની બાળકી પર એક શખ્સે ગોદડામાં ઉપાડી જઈ દુષ્કર્મ કર્યું હતું. પોલીસે આ આરોપીની માહિતી આપનારને રૂ. 50,000નું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પોલીસ પાસે આ ઘટનામાં સીસીટીવી હતા. જેમાં તે શખ્સ બાળકીને ઉપાડીને લઈ જતો દેખાય છે. પોલીસે તેની મદદથી અંદાજીત 20 શક્મંદોને પકડીને તેમની પુછપરછ કરી હતી. આખરે હરદેવ માંગરોળિયા નામનો શખ્સ આ ઘટનાનો આરોપી નીકળતા પોલીસે તેની ધરપકડ કરી છે.

મજુરી કરીને પરિવારનું પેટીયું રડાતું હતું. એક તરફ આટલી તકલીફો તો હતી જ તેના ઉપર આ નરાધમના કારણે તેમના પરિવારને હજુ ઘણું સહન કરવું પડે તેવી સ્થિતિ આવી ગઈ છે. પોતાની નાનીનાની ખુશીઓમાં પરિવાર જીવન ગુજારો કરતો હતો પણ આ હલકી માનસીક્તા ધરાવતા શખ્સને કારણે એ નાની નાની ખુશીઓ પણ હવે મરી પરવારી. 8 વર્ષની બાળા પથારીમાં સુઈ રહી હતી તે વખતે આ શખ્સ તેને જે ઓઢેલું ગોદડું હતું તે ગોદડામાં જ ઉપાડી ગયો. રાત્રે જ્યારે માતાએ જોયું કે દીકરી નથી તો પરિવાર તેની શોધમાં લાગ્યો પણ તે ન મળી, દરમિયાન તે રડતી રડતી પાછી આવી હતી.

દીકરીના કપડા પર લોહી જોઈ ગરીબ પરિવાર ડઘાઈ ગયો અને તેના કપડાં પણ ફાટેલા હતા. તેને પુછ્યું તો તેણે કહ્યું કે, પેશાબની જગ્યાએ દુઃખાવો થાય છે. તેણે કહ્યું કે છરી બતાવીને ધમકાવી હતી અને ચીસો ના પાડે તે માટે શખ્સે તેનું મોંઢું દબાવી દીધું અને પછી દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં બાળકીને સારવાર માટે ખસેડાઈ હતી. પોલીસે ઈનામ જાહેર કર્યું અને તપાસની તજવીજ શરૂ કરી. પોલીસ 20એક લોકોને પકડી લાવી અને તે તમામ શકમંદોની પુછપરછ કરાઈ હતી. પોલીસને આખરે સફળતા મળી અને શખ્સ પકડાઈ ગયો.