મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ મવડી વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી ખાતે બે દિવસ પહેલા 12 શખ્સોએ ધમાલ મચાવી દીધી હતી જેમની બાદમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. વિસ્તારમાં આતંક મચાવી મુકેલો. દાદાગીરી અને આવારા ફરતાં આ શખ્સોને પોલીસે કેસમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. દરમિયાન આ શખ્સોને પોલીસ કાર્યવાહીનો પરચો મળી જતાં ત્યાં હાજર સહુ લોકો પાસે માફી માગી હતી. જેનો વીડિયો અહેવાલના અંતે દર્શાવાયો છે.

મંગળવારે રાત્રીના પટેલ કારખાનેદારે અને જેતપુર પોલીસ સમન્વયના પ્રમુખ રોહિત ગાજીપરાએ બીજા અગિયાર જેટલા શખ્સો સાથે મળી પોતાના પૂર્વ કર્મચારી મોચી યુવાનના ઘરે જઇ ફિલ્મી ઢબે આતંક મચાવતાં દેકારો મચી ગયો હતો. હુમલામાં મોચી યુવાન નિતેશ ચાવડા, તેના મોટા ભાઇ દિપકભાઇ ચાવડા, પિતા દુર્લભજીભાઇ, ભત્રીજા  હિરેન તથા મિત્રને ઇજા થઇ હતી. અગાઉ મોચી યુવાન રોહિતના કારખાનામાં ત્યાં સોલાર સિસ્ટમના સેલ્સમેન તરીકે કામ કરતો હતો. હાલમાં બીજી કંપનીમાં કામે રહ્યો હોઇ પટેલ કારખાનેદારે એ કંપનીના ભાવ સહિતના ડેટા માંગતા મોચી યુવાને ન આપતાં હુમલો કરાયો હતો. આ ગુનામાં બારેય શખ્સોની  માલવીયાનગર પોલીસે ધરપકડ કરતાં તમામે રાત લોકઅપમાં વીતાવી હતી. દરમિયાન બપોરે આ તમામે જ્યાં ફિલ્મી સ્ટાઇલ ધમાલ મચાવી હતી ત્યાં લઇ જઇ પોલીસે  રિકન્સ્ટ્રકશનની કાર્યવાહી કરતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ શખ્સોએ જ્યાં દેકારો મચાવ્યો હતો ત્યાં જ લોકોની ભીડની માફી માગી હતી જેનો વીડિયો પણ વાયરલ થયો છે. પોલીસે ઘટનાની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે શ્રીનાથજી-૧૧માં રહેતાં અને ફોટોગ્રાફીનું કામ કરતાં દિપકભાઇ દુર્લભજીભાઇ ચાવડા (મોચી) (ઉ.૪૭)ની ફરિયાદ પરથી રાધાનગરમાં રહેતાં  અને જયસન સોલાર નામે કારખાનુ ચલાવતાં પોલીસ સમન્વયવાળા રોહિત ગાજીપરા (પટેલ) તથા તેની સાથેના રાજન અંકોલીયા, અજય (વેકરીગામ વાળો), રવિ (ડૈયા ગામવાળો),  ગાજીપરા, પ્રશાંત ગાજીપરા અને છ અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.

આ ગુનામાં પોલીસે રોહિત ચકુભાઇ ગાજીપરા (ઉ.૪૧-રહે. રાધાનગર-૧૦, માયાણી ચોક પાસે), રવિરાજ જીવાભાઇ કટારીયા (ઉ.૨૬-રહે. ડૈયા તા. ગોંડલ), મુકેશ ભુપતભાઇ પરમાર (ઉ.૩૦-રહે. ચંદ્રેશનગર-૮), રાજેશ ધીરજલાલ આંકોલીયા (ઉ.૨૨-રહે. સરદારનગર-૨, મવડી રોડ રાધારમણ), અજય અશોકભાઇ ચાવડા (ઉ.૨૮-રહે. વેકરી તા. ગોંડલ), રાહુલ જયસુખભાઇ ચાવડા (ઉ.૨૮-રહે. સરદારનગર, મવડી રોડ), રમેશ નરસીભાઇ સરમાણી (ઉ.૫૦-રહે. ચરખડી તા. ગોંડલ), રવિ રાજેશભાઇ રામાણી (ઉ.૨૩-રહે. વોરાકોટડા રોડ ગોંડલ), વિશાલ રમેશભાઇ રામાણી (ઉ.૨૮-રહે. મહેશ્વરી પાર્ક મોરબી રોડ), પંકજ ધરમશીભાઇ શીંગાળા (ઉ.૪૧-રહે. રાજદિપ સોસાયટી-૪,  ૪૦ ફુટ રોડ), તેજસ ભીખાભાઇ ગાજીપરા (ઉ.૩૫-રહે. ક્રિષ્ના પાર્ક-૯, ૧૫૦ રીંગ રોડ) અને પ્રશાંત રમેશભાઇ ગાજીપરા (ઉ.૩૮-રહે. રાધાનગર-૬/૭, મવડી પ્લોટ)ની ધરપકડ કરી છે.

ઝડપાયેલાઓમાં રોહિત ગાજીપરા પોલીસ સમન્વય જેતપુરમાં પ્રમુખનો હોદ્દો ધરાવે છે. રવિ રામાણી પોલીસ સમન્વયમાં ક્રાઇમ રિપોર્ટર છે, તેમજ ગુજરાત આઇટી સેલ સંભાળે છે. આ ઉપરાંત તેજ ગાજીપરા પોલીસ સમન્વયમાં રાજકોટ જીલ્લા પ્રેસિડેન્ટ છે અને પ્રશાંત ગાજીપરા રાજકોટ ઝોન-૨માં પ્રેસિડેન્ટ હોવાનું પોલીસે કહ્યું હતું.