મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે રાજકોટમાં થોડા દિવસ પહેલા એક વ્યક્તિ ઘોડો લઈને વિરોધ પ્રદર્શન કરવા નિકળ્યો હતો. આ વ્યક્તિ કોંગ્રેસનો નેતા હતો. આ દરમિયાન પોલીસે તેને વિરોધ પ્રદર્શન તો ન જ કરવા દીધું પણ તેને અપશબ્દો આપી પોલીસ જીપમાં નાખી દીધો. જોકે પોલીસ આ વખતે એ ભાન ભૂલી ગઈ કે પોલીસ કર્મીએ ઘોડાને થપ્પડ પણ મારી હતી. વ્યક્તિ પરનો ગુસ્સો પ્રાણી પર ઉતારી નાખ્યો હતો. જેને કારણે હવે ક્ષત્રિય સમાજ નારાજ થયો છે. કરણી સેના દ્વારા ઘોડાને થપ્પડ મારવાની આ ઘટનામાં રાજકોટમાં પંચાયત ચોકમાં સરકાર વિરોધી નારા લગાવાયા હતા. હાલ ત્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

થોડા જ દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા ગુજરાત ભરમાં ઠેરઠેર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરી લોકોના પ્રશ્નોને વાચા આપવાનો કાર્યક્રમ ઘડાયો હતો. તે વખતે રાજ્યમાં દરેક જગ્યાએ અલગ અલગ રીતે પ્રદર્શન થયા હતા. દરમિયાન રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ઘોડા પર રેલી કાઢીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસને તે જોઈ ગુસ્સો ચઢ્યો અને પોતાની પરનો કંટ્રોલ ગુમાવી દીધો હતો. એક વીડિયો છે જે અહીં અંતમાં આપને દર્શાવ્યો છે જેમાં અપશબ્દો હોવાને પગલે અવાજ મ્યુટ કરાયો છે. તે વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કેટલી ગુસ્સે ભરાઈ હતી. પોલીસે કોંગ્રેસના રાજદીપસિંહ જાડેજાને અટકાવી તેમની સાથે ખાખીને ન શોભે તેવું વર્તન કર્યું હતું. દરમિયાન એસીપી રાઠોડ ત્યા હતા જેઓ અત્યંત ગુસ્સામાં જોઈ શકાય છે.

પોલીસે આ ગુસ્સામાં કોંગ્રેસના નેતાને ફટકારવા સાથે ઘોડા પર પણ હાથ ઉપાડ્યો જેને કારણે આજે રાજકોટ જિલ્લા પંચાયત ચોકમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે. તેમનું કહેવું છે કે, ઘોડા રેલી દરમિયાન કોંગ્રેસના નેતાઓને પોલીસે ફટકાર્યા અને તેમને રોક્યા તે ઠીક છે પણ પોલીસ દ્વારા ઘોડાને લાફો મારવાની ઘટના કેટલી વાજબી છે. પોલીસે પ્રાણી પર હાથ કેવી રીતે ઉપાડ્યો? આ ઘટનાથી અમારા ક્ષત્રિય સમાજની લાગણી દુઃભાઈ છે. 

જોકે એસીપી રાઠોડનું કહેવું છે કે, મેં ઘોડાને થપ્પડ મારી નથી, હું માત્ર લગામ પકડતો હતો. જ્યારે બીજી બાજુ કરણી સેના પોતાની વાત પર પાક્કી છે તો આ તરફ રાજદીપસિંહ જાડેજાનું કહેવું છે કે મને ઢસેડીને એસીપી રાઠોડ, પીઆઈ વી કે ગઢવી અને પીએસઆઈ જેબલીયાએ અપશબ્દો કહ્યા અને જીપમાં લઈ ગયા હતા અને દમન કરતાં કરતાં ઘોડાને પણ ફટકાર્યો હતો. આગામી સમયમાં આ અધિકારીઓના વિસ્તારમાં ચાલતા ખોટા ધંધાઓને ઉઘાડા પાડીશું.

એક બાજુ ઈન્દોરના મોસ્ટ વોન્ટેડ જીતુ સોનીના લોકેશનની માહીતી ખુદ રાજકોટ પોલીસના કોન્સ્ટેબલે લીક કરી તો પુરા દેશમાં રાજકોટ પોલીસના નામની બુમો પડી રહી છે તો આવા સંજોગોમાં લોકોને પડતી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની તકલીફની સામે અવાજ ઉઠાવનારાઓ સામે 'સિંઘમ' બનવા જતી પોલીસને સોશિયલ મીડિયા પર આ ઘટનાને કારણે 'ચિંઘમ' બની જવાનો વારો આવ્યો છે.