મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : પ્રજાસતાક દિવસની નિમિતે જુદી-જુદી સિધ્ધિ મેળવનાર દેશનાં 32 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પૈકી 6 બાળકો સાથે વાતચીત કરી PM મોદીએ તમામને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં રાજકોટનાં દિવ્યાંગ 17 વર્ષીય તરવૈયા 'મંત્ર' સાથે પણ મોદીએ વાતચીત કરી હતી. દરમિયાન તરવૈયાએ પ્રધાનમંત્રીને ચા-ગાંઠિયા ખાવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. 

આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીમીંગમાં અનેક ગોલ્ડ મેડલો મેળવનાર મંત્ર નામનાં તરૂણે વડાપ્રધાનને રાજકોટનાં ગાંઠીયા - જલેબી ખાવાનું આમંત્રણ આપતા મોદી પણ હસી પડયા હતા. કલેકટર કચેરી ખાતેથી ગુજરાતીમાં જ મોદી સાથે મંત્રએ વાતચીતનો દોર શરૂ કર્યો હતો. મંત્રએ કહ્યું હતું કે, તમે ગુજરાત - રાજકોટ તો આવો ત્યારે મારી સાથે ફોટો પડાવશો? ત્યારે મોદીએ હસતા હસતા કહયું કે રાજકોટનાં ગાંઠીયા સાથે લાવવા પડશે. જેના જવાબમાં મંત્રએ કહ્યું કે, ગાંઠીયા - જલેબીની સાથે ચા પણ પીવડાવીશ. આ બાળકનાં આમંત્રણનો સ્વીકાર કરી વડાપ્રધાને કહ્યું હતું કે, હું આવીશ ત્યારે જરૂર મળીશ.


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, મંત્ર જીતેન્દ્ર હરખાણીનો જન્મ થયો ત્યારથી તેને બોર્ન ડાઉન સિન્ડ્રોમ જોવા મળ્યા હતા. માનસિક બીમારીનો જન્મથી સામનો કરી રહેલા મંત્રએ અદમ્ય સાહસ સાથે સ્વીમીંગમાં રસ લીધો. જિલ્લા , રાજય અને રાષ્ટ્રીય સ્તરે સ્વીમીંગની સ્પર્ધામાં મંત્રએ ભાગ લઈ  અનેક પુરસ્કારો મેળવ્યા છે. નેશનલ  ઓલિમ્પિક મુંબઈમાં 2016માં યોજાઈ તેમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તેમજ 2019માં અબુધાબી ખાતે યોજાયેલી આંતરરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ મંત્રએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જેને પગલે તેને બાળ પુરસ્કારથી સન્માનિત કરાયો છે.