મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેર સહિત સમગ્ર રાજ્યમાં PGVCLના કર્મચારીઓએ આજથી આંદોલન શરૂ કર્યું છે. જેમાં રાજકોટનાં 11 હજાર જેટલા કર્મચારીઓ જોડાયા છે. અને વર્ષોથી બાકી રહેલુ એરિયર્સ ચૂકવવાની માંગ સાથે કાળી પટ્ટી બાંધી આંદોલન શરૂ કર્યું છે. આગામી 20 જાન્યુઆરી સુધી PGVCLના કર્મીઓ કાળી પટ્ટી સાથે વિરોધ કરશે. અને 21 જાન્યુઆરીએ માસ CLમાં જોડાશે.

આ અંગે PGVCLના કર્મચારી ભૈરવી ગાંધીએ કહ્યું હતું કે, વર્ષ 2016થી અમને એરિયર્સ મળ્યું નથી. આ માટે અમે નોટિસ આપી હતી. છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે અમે આંદોલન શરૂ કર્યું છે. અમે આગામી 20 સુધી કાળી પટ્ટી પહેરી વિરોધ કરીશું. બાદમાં 21 તારીખે માસ CLમાં જોડાશું. અમારી માંગ છે કે સરકાર અમારી રજૂઆત સાંભળી તેનું ત્વરિત નિરાકરણ લાવે. સાથે જ આવતીકાલે અચોક્કસ મુદતની માસ CL માટે બેઠક યોજાનાર હોવાનું પણ તેમણે કહ્યું છે.


 

 

 

 

 

વધુમાં તેમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 40% વેઈટેજ મુજબ બેઝિક સુધારેલ છે. જ્યારે ઉર્જા ક્ષેત્રના પાંચમા વેતન પંચના અમલ સમયે આ એલાઉન્સ અકબંધ રાખવા 30% વેઈટેજ મુજબ બેઝીકમાં સુધારો કરાયો છે. જેથી એલાઉન્સ બેઝિક સામે હોવાથી રાજ્ય સરકારે અન્ય વિભાગો સાથે જ સરખામણી કરીને મંજૂર કરી અટકાવી રાખી છે. આ વાત સંપૂર્ણ અન્યાયકર્તા હોવાનું પણ તેમણે કહ્યું છે.