મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ગોંડલમાં જેલમાંથી ઓર્ગેનાઈઝડ ક્રાઈમનું નેટવર્ક ચલાવનાર નિખીલ દોંગા સહિત 12 શખ્સ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. અને 7 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે નિખિલ સહિત અન્ય ત્રણ પહેલેથી જેલમાં હોઈ તેનો કબ્જો લેવામાં આવ્યો છે. અને અન્ય 2 નાસતા ફરી રહેલા આરોપીઓને પણ ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ગેંગનાં લોકો સામે કુલ 117 ગુનાઓ નોંધાઇ ચુક્યા હોવાની જાણકારી આજે રેન્જ આઈજી સંદિપસિંઘે યોજેલી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.

સંદિપસિંઘે જણાવ્યું હતું કે, નિખિલ દોંગા અને તેના સાગરિતો સામે ધાકધમકી, હત્યા, હત્યાની કોશિશ, જમીન પચાવવી સહિતનાં કુલ 117 ગુના નોંધાયેલા છે. નિખીલ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં છે. તેમજ અન્ય બે આરોપીઓ પણ જેલમાં હોવાથી આ ગુના હેઠળ તેનો કબ્જો લેવાશે. જ્યારે અન્ય નાસતા ફરી રહેલા બે આરોપીઓને ઝડપી લેવા જુદી-જુદી ટીમો તપાસ કરી રહી છે. હાલ સંગઠિત ગુના આચરતી ટોળકીને અંકુશમાં લેવા ગોંડલ પોલીસમાં ગુનો નોંધાયો છે. જેની તપાસ જેતપુર ASP સાગર બાગમાર ચલાવી રહ્યા છે. 


 

 

 

 

 

નિખિલ દોંગા અને ગેંગની મોડસ ઓપરેન્ડી

નિખીલ દોંગા અને તેની ગેંગ દ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરવામાં આવતું હતું. આરોપીઓ ધાકધમકી આપી, માર મારી, મિલકતને નુકસાન હોંચાડતા અને મિલકત પચાવી પાડતા હતા. નિખિલના સાગરીતો અને અન્ય 6 જેટલા લોકો અનઅધિકૃત રીતે જેલમાં રહીને જમીન પચાવવા અંગે પ્લાન બનાવતા હતા. પેરોલ જમ્પ કરી બહાર આવી લોકોને ધાકધમકી આપી ડરાવતા હોવાનું સામે આવ્યું છે. માત્ર નિખિલ દોંગા પર જ 14 જેટલા ગુના નોંધાયા હોવાનું તેમજ તે 19 વખત પેરોલ લઈને જેલમાંથી બહાર આવી ચુક્યો હોવાનું પણ સંદિપસિંઘે જણાવ્યું હતું.

ગુજસીટોક હેઠળ જેલમાં રહેલા નિખીલ રમેશભાઈ દોંગા, વિજય ભીખાભાઈ જાદવ, પૃથ્વી યોગેશભાઈ જાદવ, શક્તિસિંહ જશુભા ચુડાસમા, વિશાલભાઈ આત્મારામ પરમાર, અક્ષય સુર્યકાંતભાઈ દુધરેજીયા, નવઘણ વરજાંગભાઈ શીયાળ, દર્શનભાઈ પ્રફુલભાઈ સાકરવાડીયા, દેવાંગ જયંતીલાલ જોશી તેમજ નરેશ રાજુભાઈ સિંધવા ઝડપાયા છે. જ્યારે અન્ય બે શખ્સો ફરાર છે.