મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: છેલ્લા કેટલાક સમયથી અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ વધી રહી છે. તંત્ર તેમજ વિવિધ સમાજસેવી સંસ્થાઓ દ્વારા પણ આ ભગીરથ કાર્ય માટે લોકોને પ્રેરણા આપવમાં આવી રહી છે. ત્યારે શહેરના વધુ એક 53 વર્ષીય વેપારી રમેશભાઈ વાડોદરીયાના પરિવારજનોએ અંગદાનનો ઉત્તમ નિર્ણય લેતા જુદા-જુદા 5 દર્દીઓને નવજીવન મળશે.

રમેશભાઈ કડવાભાઈ વાડોદરીયા હાઈ બ્લડપ્રેશરનો ભોગ બન્યા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમને હેમરેજ હોવાનું નિદાન થયું હતુ. ત્રણ-ત્રણ દિવસની સઘન સારવાર કારગત ન નિવડતાં ડોકટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. જેને લઈને ઓર્ગન ડોનેશન માટે કાર્યરત સમાજ સેવકો સહિત ડોક્ટરોએ પરિવારજનોને અંગદાનની સલાહ આપી હતી. આવા કપરા સમયમાં પણ રમેશભાઈના બે પુત્રો સહિતના પરિવાર અને સગા-સ્નેહીઓએ અંગદાન કરવાનો ઉત્તમ કહી શકાય તેવો નિર્ણય કર્યો હતો. 

જેને પગલે નિષ્ણાંત ડોકટરોની ટીમે આવી બે કિડની, લીવર તથા બે આંખોનું દાન સ્વીકાર્યું હતુ. હવે પછી જરૂરીયાતમંદ પાંચ દર્દીઓને આ અંગો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ તકે મૃતકના પુત્ર ધવલભાઈએ જણાવ્યું હતું કે, પિતાનું નિધન થયાનું દુઃખ છે. પરંતુ મૃત્યુ બાદ પણ તેઓ પાંચ લોકોમાં જીવી ગયાની ખુશી છે. જીવીત હતા ત્યારે તો તેમણે અનેક સત્કાર્યો કર્યા જ છે. પરંતુ મૃત્યુ બાદ પણ તેઓ પાંચ-પાંચ લોકોના નવજીવનનું કારણ બન્યા છે.