મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ગરીબ અને અભણ લોકો સાથે ઓનલાઈન લોનનાં નામે લાખોની છેતરપીંડી કરનારા ચાર શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આ ટોળકી લોન કરાવી પ્રોસેસિંગ ફીનાં નામે તગડી રકમ વસુલતી હતી. સાથે જ ગ્રાહકના ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા તેમની જાણ વિના આ રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતી હોવાનું પણ સામે આવ્યું છે. શહેરમાં 110 ટકા લોનનાં નામે આ ટોળકીએ એક ઓફિસ પણ ખોલી હતી. હાલ તો પોલીસે ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.

આ ટોળકી ફક્ત ઓનલાઈન લોન આપતી કંપની હીરો ફીનકોર્પ ફાયનાન્સની સીમ્પલી કેશ, નાવી, ફીસડમ, સેન્ડીંગ કાર્ટ નામની સ્મોલ ફાયનાન્સ કંપની સાથે સંપર્ક રાખતા હતા. અને ગ્રાહક સંપર્ક કરે ત્યારે નેટબેંકીંગ શરૂ કરાવી લેતા હતા. બાદમાં લોન પાસ થઈ ગયા પછી આ નેટ બેંકીંગના આધારે ગ્રાહકના ખાતામાંથી તેની જાણ બહાર પ્રોસેસિંગ ફીના નામે મરજી પડે તેટલી રકમ ઉપાડી પોતાના ખાતામાં જમા કરાવી લેતા હતા. આ રીતે આ ટોળકીએ સુરતમાં પણ અંદાજે 500 અને રાજકોટમાં 70થી વધું ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી.


 

 

 

 

 

ક્રાઈમ બ્રાંચની ટીમે તા.2 જાન્યુઆરીએ લક્ષ્મીનગર-1 પાસે ક્રિષ્ના પ્લાઝા કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલી આરોપી પ્રતિક અને રવિની ઓફિસમાં દરોડો પાડતા આ સમગ્ર કૌભાંડ છતું થયું હતું. તે દિવસે ક્રાઈમ બ્રાંચે જાણવાજોગ નોંધ કરી તપાસ આગળ ધપાવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આરોપી પ્રતીક અને રવિ ઓફિસ સંભાળતા હતા, જ્યારે મહેન્દ્ર ગ્રાહકોને શોધી તેમની પાસે લઈ આવતો હતો. ત્યારબાદ પ્રતીક અને રવિ ગ્રાહક પાસેથી પાનકાર્ડ, આધારકાર્ડ, ફોટા, બેંક સ્ટેટમેન્ટ, પે સ્લીપ સહિતના દસ્તાવેજો મેળવી લઈ આ તમામ દસ્તાવેજો સુરત સ્થિત સૂત્રધાર શૈલેષ પીઠડિયાને મોકલી દેતા હતા.

બાદમાં નિલેશ ગ્રાહકની લોનની ઓનલાઈન અરજી કરતો હતો. અને લોન પાસ કરાવી આપતો હતો. અને લોન પાસ થતાની સાથે આ શખ્સો મરજી મુજબની રકમ ગ્રાહકની જાણ બહાર તેમના ખાતામાંથી ટ્રાન્સફર કરી લેતા હતા. હાલ પોલીસે મુખ્ય સૂત્રધાર શૈલેષ ઉર્ફે શાન પીઠડિયા, પ્રતીક ઉર્ફે જીજ્ઞેશ મહેશ પરમાર, મહેશનો ભાઈ રવિ અને મહેન્દ્ર  કુમાવતને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.