તુષાર બસિયા (મેરાન્યૂઝ.રાજકોટ): કોરોના કહેરના પગલે પ્રધાનસેવક મોદીએ પ્રધાનમંત્રી કેર ફંડ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. આજે બુધવારે રાજકોટમાં ખેડૂતો પોતાની જણસી વેંચવા જતા ભાવ તળિયે આવી ગયા હોવાનું જાણ્યું હતું. પરિણામે બપોરના સમયે ખેડૂતો જણસી પ્રધાનમંત્રી કેર ફંડમાં દાન આપવા રાજકોટ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. દાન આપવા પહોંચેલા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી પણ રોકડા કરવા જણસી વેંચે તો દુર્દશાના દર્શન થાય

રાજકોટ માર્કેટિંગ ખાતે ખેડૂતો કપાસ, એરંડા અને ડુંગળીની તળિયે આવેલ કિંમતથી અવગત થઈ ખેડૂતો ભારે રોષે ભરાયા હતા. ખેડૂતોએ મહામહેનતે પકવેલી જણસી તળિયાના ભાવે વેંચવા કરતા દાન કરવાનું નક્કી કર્યું હતું. ખેડૂત આગેવાન અને કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાના જણાવ્યા અનુસાર ખેડૂતો પોતાની જણસી પ્રધાનમંત્રી કેર ફંડમાં દાન આપવા રાજકોટ કલેકટર કચેરી પહોંચ્યા હતા. 
જયાં દરવાજા પરથી જ તેઓ સહિત ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી હતી. પ્રધાનમંત્રી કેર ફંડમાં દાન આપવાનો ઉદ્દેશ હતો કે પ્રધાનમંત્રી પણ જણસી વેચવા મોકલે ત્યારે ખેડૂતોની દુર્દશાથી વાકેફ થાય અને યોગ્ય પગલાં લે તેમજ અમારી જણસીના દાન થકી દેશને મદદરૂપ થઇ શકાય. સાથે અટકાયત અંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કેર ફંડમાં દાન આપવા જતા ખેડૂતો અને આગેવાનોની અટકાયત કરવી એ કેટલું યોગ્ય છે ?" સમગ્ર ઘટનાથી હાલ ખેડૂતોમાં સરકાર અને તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

ફિંગરપ્રિન્ટ માટે બોલાવ્યાં અને લગાડી કલમ-૧૫૧

રાજકોટ કલેકટર સુધી દાન આપવા જતા ખેડૂતોએ કચેરીના પાછળના દરવાજેથી પ્રવેશ કર્યો હતો. ખેડૂતો કચેરીની અંદર પહોંચે એ પહેલાં જ પોલીસ આવી જતા મુખ્ય દરવાજેથી જ તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. આમ કલેકટર સુધી પહોંચવામાં ખેડૂતો નિષ્ફળ ભલે રહ્યાં પરંતુ તંત્રને ખેડૂતોના મુદ્દાની ગંભીરતા સમજાઈ ગઈ હશે એવું જણાઈ છે. આંબલિયા જણાવે છે કે "મારા સહિત અન્ય ખેડૂતોને કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધી જામીન પર છોડવામાં આવ્યા હતા પણ ફરી આંગળીઓના નિશાન લેવા બોલાવી ૧૫૧ મુજબ પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી છે." આમ દાન આપવા આવેલા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

ચર્ચાઃ દાન આપવું પણ ગુનો ?

અગાઉ સરકાર દ્વારા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા ગુજરાત ભરમાંથી ધાતુંનું દાન લેવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના ખેડૂતોએ પણ ઉદારહાથે ખેત ઓજાર સહિતની ધાતું દાનમાં આપી હતી. જ્યારે કોરોનાના કપરા સમયમાં પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો પોતાની જણસી દાન આપવા જાય તો ગુનો બને અને ખેડૂતોની અટકાયત થાય છે એવી વાતો ખેડૂતોમાં ચર્ચાનો વિષય બની છે.