મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: વર્ષોથી મિલકત અને તેના ભાગલાઓને લઈને ઘણા પરિવારોમાં મનભેદ અને મતભેદો થયા છે. ઘણા કિસ્સાઓમાં લોહી પણ વહ્યા છે તો ઘણા કોર્ટના દરવાજે કાયદાની છત્રછાયા નીચે સફળ રીતે નિવેડો પણ પામ્યા છે. ગુજરાતનાં ભૂતપૂર્વ નાણાંમંત્રી અને માજી રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ - બહેન વચ્ચે કરોડોની મિલકતને લઈ મન કચવાયા છે. રાજકોટના રાજવી પરિવારના મિલકત વિવાદના મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજવી પરિવારની માધાપર અને સરદાર ખાતેની કરોડો રૂપિયાની જમીન મામલે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાની તેમની બહેન અંબાલીકાદેવી વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો. તે વિવાદનો આખરે અંત આવ્યો છે. ડેપ્યુટી કલેકટરની કોર્ટમાં અંબાલિકા દેવીના વકીલ હાજર રહ્યા હતા. ત્યારે સમગ્ર મામલે ડેપ્યુટી કલેકટરની કોર્ટ દ્વારા ઝાંસી રહેતા બહેન અંબાલિકા દેવીની તરફેણમાં ચુકાદો આવ્યો છે. અંબાલિકા દેવીના તરફેણમાં ચુકાદો આવતાની સાથે જ માંધાતાસિંહ જાડેજાની કરોડો રૂપિયાની મિલકતનો ફટકો લાગ્યો હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટના રાજવી પરિવારમાં સ્થાવર અને જંગમ મિલકતોની વહેંચણી મામલે છેલ્લા એક વર્ષથી ખટરાગ ચાલી રહ્યો હતો. જે ખટરાગ કાયદાકીય લડતમાં પરિણમ્યો હતો. જેમાં આજરોજ ઝાંસી રહેતા બહેન અંબાલીકાદેવીની તરફેણમાં ચુકાદો આવ્યો છે.
Advertisement
 
 
 
 
 
મામલો એવો હતો કે, આ કેસમાં માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો કરાયો છે કે, માજી રાજવીની વસિયત પ્રમાણે બહેનને રૂપિયા દોઢ કરોડ આપી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રીલીઝ ડીડ પણ કરી આપ્યા હતા. જો કે પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે. આની સામે, રાજસ્થાનનાં પુષ્કરમાં પરણેલા આ રાજકુમારીનું કહેવું છે કે પિતાના અવસાન પછી પોતે સહ પરિવાર માતાને મળવા રાજકોટ આવ્યા ત્યારે ભાઇએ આશાપુરા મંદિરની જાળવણીમાં બધા વારસોની સહીની જરૂર ન પડે એવું બહાનું ધરીને જે કાગળોમાં સહી કરાવી એમાં રિલીઝ ડીડ બનાવડાવી લીધું હતું. વાસ્તવમાં, મિલ્કતોમાં તમામ વારસોના નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકે, જ્યારે આમાં તેમ નથી બન્યું અને રેવન્યુ રેકર્ડમાંની એ નોંધ વિશે કલમ 135 (ડી) મુજબ નોટિસ મળી ત્યારે જાણ થતાં વાંધા અરજી કરવામાં આવી છે. રાજકોટ સિવિલ કોર્ટ ખાતે કેસની સુનાવણી આગામી તા. 31નાં રોજ કરવામાં આવનાર છે.
માંધાતાસિંહના બહેન અંબાલિકાદેવી દ્વારા પિતા સ્વ. મનોહરસિંહ જાડેજાની વસિયત શંકાસ્પદ હોવાનો મુદ્દો પણ ઉઠાવાયો છે. રાજકુમારીએ દીવાની કેસ નોંધાવી સંયુકત હિન્દુત્વ કુટુંબની મજિયારી વારસાઇ મિલ્કતમાંથી પાંચમા ભાગનો હિસ્સો મેળવવા રિલીઝ ડીડ નલ એન્ડ વોઇડ ગણવા તથા વસિયત બંધનકર્તા નહીં હોવાનું ડેક્લેરેશન કરી આપવા દાદ માગી હતી. જેમાં બહેને રજિસ્ટર્ડ રિલીઝ ડીડ કરી આપ્યાની માંધાતાસિંહના પક્ષેથી દલીલ કરવામાં આવી હતી અને અંબાલિકાદેવીનો ડીડ રદ્દબાતલ ઠેરવીને પડકાર ફેંકવામાં આવ્યો હતો. રાજવી પરિવારની આ મિલકતોની કિંમત આશરે 1500 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Advertisement
 
 
 
 
 
આ અંગે જ્યારે કેસ થયો ત્યારે માંધાતાસિંહ જાડેજાના એડવોકેટ નિરવ દોશીનું કહેવું છે કે, વસિયત સાચી જ હોવાના પુરાવા તેમજ રજિસ્ટર્ડ રિલીઝ ડીડ સહિતના ઓન રેકર્ડ આધાર સંબંધિત ઓથોરિટી સમક્ષ રજૂ કરી ચૂક્યા છીએ અને હજુ કોઇ નિર્ણય આવ્યો નથી. તો અંબાલિકાદેવીના એડવોકેટ કેતન સિંઘવનું કહેવું છે કે હાઇકોર્ટના તથા રાજકોટના પૂર્વ કલેક્ટરના ચુકાદામાં વડીલો પાર્જિત મિલ્કતમાં દીકરીને પણ પુત્ર જેટલાં જ સમાન હક્ક મળતા હોવાનો ઉલ્લેખ છે. ભાઇ-બહેનના સંબંધમાં વિશ્વાસઘાત કરીને રિલીઝ ડીડમાં ખોટી રીતે સહમતી મેળવી લેવામાં આવી હોવાનો લેખિત આક્ષેપ પણ તેમના દ્વારા કરાયો હતો.
જોકે આ મામલે કોર્ટે અંબાલિકાદેવીની તરફેણમાં પોતાનો નિર્ણય કર્યો છે. રાજવી પરિવારની માધાપર અને સરદાર ખાતેની કરોડો રૂપિયાની જમીન મામલે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાની તેમની બહેન અંબાલીકાદેવી વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો. ડેપ્યુટી કલેકટરની કોર્ટ દ્વારા ઝાંસી રહેતા બહેન અંબાલિકા દેવીની તરફેણમાં ચુકાદો આવ્યો છે.