મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરના જીજાજીએ બે કરોડ રૂપિયાની લેતીદેતી મામલે ફિનાઈલ પી લઈ જીવન ટુંકાવાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. ભૂપત બોદરના જીજા જે ડી ઠુમ્મરે અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યાની વિગતો સામે આવતા જ ઉહાપોહ મચી ગયો હતો. તેમને તુરંત સારવાર કરવા માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટનામાં તેમણે આ પહેલા લખેલી એક અંતિમનોંધ ટપકાવેલા કાગળો સામે આવ્યા છે. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

મળી રહેલી વિગતો અનુસાર રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરના જીજા જયંતિભાઈ ડી ઠુમ્મરે ફિનાઈલ ગટગટાવી લેતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. તેમણે લખેલી સ્યૂસાઈડ નોટમાં તેમણે કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના નિકળે છે તે અંગે નામ સાથે વિગતો લખી હતી. લગભગ બે કે અઢી કરોડ રૂપિયાની લેતીદેતી હોવાનું કહ્યું છે. અહીં સુધી કે આ નામના લીસ્ટમાં રાજકોટના પૂર્વ ડે. મેયર અશ્વિન મોલિયા સહિત દસેક જેટલા લોકોના નામ છે. તેમણે આ લોકો રૂપિયા પાછા આપતા ન હોવાનું તેમાં ઉલ્લેખ્યું છે.

Advertisement


 

 

 

 

 

પોલીસે આ ઘટનાની જાણ થતાં તુરંત કાર્યવાહી શરૂ કરી હતી અને જયંતિભાઈનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જયંતિ ભાઈએ લખ્યું છે કે, હું વારંવાર આ લોકો પાસેથી રૂપિયા મારા પાછા આપી દેવાની વિનંતી કરી રહ્યો છું જોકે તેઓ પાછા આપી રહ્યા નથી. હું કંટાળી ગયો છું. મારો પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયો છે. મારી મિલકત વેચાઈ જશે તેની મને બીક લાગે છે. મારી પાસે અંતિમ પગલા સિવાયનો કોઈ રસ્તો નથી તેથી હું આ પગલું ભરવા જઈ રહ્યો છું. પોલીસ કમિશનર તેમજ પોલીસ વિભાગને યોગ્ય તપાસ કરી ન્યાય આપવાની અપીલ કરી રહ્યો છું.

આ મામલે રાજકોટ પૂર્વ મેયર અશ્વિન મોલિયાએ મીડિયા સામે જણાવ્યું કે, જયંતિભાઈ દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા છે. તેમણે બે વર્ષ પહેલા પણ મારા પર આક્ષેપો કર્યા હતા. તે વખતે પણ મેં પોલીસ સામે મારું નિવેદન નોંધાવ્યું હતું. મારે કોઈ રૂપિયાની લેતિદેતી જયંતિભાઈ સાથે કરવાની રહેતી નથી છત્તાં પોલીસને જરૂર પડ્યે હું સહકાર આપીશ.