મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: અમદાવાદમાં જાહેર રસ્તા પર પાન-માવા ખાઇ થૂંકનારાઓને ઇ-મેમોથી દંડ ફટકારવામાં આવ્યા બાદ હવે રંગીલા રાજકોટમાં પણ કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તા પર પાન-માવા ખાઇ થૂંકનારને દંડ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરાયો છે કે હવે જો કોઈ વ્યક્તિ જાહેરમાં પાન-માવા ખાઇ થૂંકતા સીસીટીવીમાં નજરે પડશે તો તેમને પણ દંડ કરાશે. પ્રથમ વખત થૂંકતા પકડાશો તો 250 રૂપિયા, બીજી વખત થૂંકતા પકડાશો તો 500 રૂપિયા અને ત્રીજી વખત જાહેરમાં થૂંકતા પકડાશો તો 700 રૂપિયાનો દંડ (મેમો) આપવામાં આવશે. કોર્પોરેશનની ટીમ પણ વિવિધ સ્થળોએ તૈનાત રહેશે અને થૂંકનારાઓને સ્થળ પર જ દંડ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મત વિસ્તાર અને વતન પણ છે અને મુખ્યમંત્રી લગભગ દરેક રવિવારે રાજકોટની મુલાકાતે હોય છે. ત્યારે રાજકોટમાં પણ સ્વચ્છતા જાળવવાની ઝુંબેશ કોર્પોરેશને શરુ કરી છે.