મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: તાજેતરમાં 'ઓપરેશન બ્લેકહોક’ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાંથી 357 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો હતો અને સ્થાનિક ઓપરેટર મુસ્લિમ મહિલા સહિત તેના મળતીયાઓને ઝડપી પાડ્યા હતા. આ ગાંજો સુરતથી આવતો હોવાનું સામે આવતા પોલીસની ટુકડીએ પરાપીપળીયા પાસેથી મુખ્ય સૂત્રધાર વિજય અશોક કુલપતિ, તેમજ મુકેશગીરી જસવંતગીરી ગોસ્વામીને ઝડપી લીધા છે. ઉપરાંત નેટવર્કના અન્ય એક શખ્સ ચેતનસિંહ ઉર્ફ રાજભા ભુપેન્દ્રસિંહ ઝાલાને પણ આણંદ પોલીસની મદદથી ડાલી ગામેથી ઝડપી લઇ તેની પાસેથી 2100 કિલોથી વધુ જેટલો ગાંજો કબજે કર્યો છે.

આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ સૌરાષ્ટ્રના ગાંજા નેટવર્ક બાદ હવે તેની રાજ્યવ્યાપી લિંક પણ મળી છે. આણંદ ખાતેના ડાલી ગામે ગાંજો સંગ્રહવાનું કેન્દ્ર બનાવી ધંધાર્થીઓને વેંચવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે આવનારા દિવસોમાં મુખ્ય સપ્લાય નેટવર્ક સુધી પહોંચવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. પોલીસે સાયબર સેલ અને આઇ-વે પ્રોજેક્ટની મદદથી શહેરમાં ગાંજો સપ્લાય કરવા આવેલા અને ગાંજાનો જથ્થો જે ગાડીમાં લાવવામાં આવ્યો હતો તે કારના નંબર શોધી કાઢી તેના ચાલક બાવાજી શખ્સ ઘનશ્યામગીરીની ધરપકડ કરી લીધી હતી.

તબક્કાવાર આગળ વધતી આ તપાસમાં પોલીસને માહિતી મળી હતી કે, મુખ્ય સુત્રધાર સુરતનો વિજય અશોક કુલપતિ અને ચેતનસિંહ ઉર્ફ રાજભા ભુપેન્દ્રસિંહ ઝાલાએ ગાંજાનો મોટો જથ્થો મંગાવી ચેતનસિંહના મામાના આણંદ જિલ્લાના ડાલી ગામે સંગ્રહ કર્યો હતો અને ત્યાંથી સોરાષ્ટ્રમાં જુદા-જુદા સપ્લાય નેટવર્ક મારફત મોકલે છે. આ પૈકી એક સબડીલર જામખંભાળીયાનો મુકેશગીરી જસવંતગીરી ગોસ્વામી છે. આ શખ્સ અગાઉ એનડીપીએસના ગુનામાં બે વખત પકડાઇ ગયો હતો અને પાછળથી ખંભાળીયામાં મકાન ભાડે રાખી બંને મુખ્ય સુત્રધારોનો માલ સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવા માટે સંઘરી રાખતો હતો.

ડાલીથી ખંભાળીયા લાવવામાં આવેલો ગાંજો ઝડપાઇ જવાના ડરથી ફરી ટ્રકમાં તા. 12 સપ્ટેમ્બરના રાજકોટ લાવ્યા હતાં. જે અંગે એસઓજીને માહિતી મળતાં આ જથ્થો પકડાઇ ગયો હતો. તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓના નિવેદનમાં ચેતનસિંહ ઉર્ફ રાજભાના મોબાઇલ ફોન નંબર મળ્યા હતાં. જેનું લોકેશન જીણવટભરી રીતે તપાસતા ડાલી ગામે મળતું હતું. આ માહિતીને સંદર્ભે ડીસીબી અને એસઓજીની ટીમોને ડાલી ગામે મોકલવામાં આવી હતી. જ્યાં ચેતનસિંહ ઉર્ફ રાજભા ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લઇ ત્યાંથી 2100 કિલોથી વધુ ગાંજાનો જથ્થો સ્થાનિક પોલીસની મદદથી કબ્જે કરવામાં આવ્યો છે. આ દરમિયાન વિજય કુલપતિ તેના સાગરીત ખંભાળીયાના મુકેશગીરીને મળવા જામનગર રોડ પર પરાપીપળીયાના પાટીયે આવવાનો હોવાની બાતમી મળતાં બંનેને સ્કોડા કાર નં. GJ-5/CM/6462માંથી ઝડપી લેવાયા હતાં. વિજય સામે અગાઉ જામનગરમાં ગુનો નોંધાઇ ચુક્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા પોલીસ મથકોમાં તેનું નામ ખુલવાની શક્યતા જોવાઇ રહી છે. ત્યારે સમગ્ર કામગીરીને સફળતા પૂર્વક પાર પાડનાર તમામ પોલીસકર્મીઓના નામો પોલીસ વડા મારફત ઇનામ માટે મોકલવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.