મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: આજરોજ બપોરના સમયે આમ આદમી પાર્ટીનાં કાર્યકરો ભગવતીપરા વિસ્તારના લોકોને લઈ કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા. અને ભગવતીપરા વિસ્તારનાં રહેવાસીઓને આપવામાં આવેલી મકાન ખાલી કરવાની નોટિસો રદ્દ કરવાની માંગ સાથે વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે 'આપ' દ્વારા મ્યુ. કમિશ્નરને રજૂઆત કરાય તે પૂર્વે જ પોલીસે લાઠીચાર્જ કરતા સ્થાનિકો અને કાર્યકરો સહિત 5થી વધુ ઘાયલ થયા હતા.

પોલીસ દ્વારા પ્રદર્શન કરનારા 'આપ'નાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જેને લઈને પાર્ટીનાં આગેવાનો હાલ એ-ડિવિઝન પોલીસને રજુઆત  કરવા પહોંચ્યા છે. અને ત્યારબાદ જરૂર પડ્યે પોલીસ કમિશ્નરને પણ રજૂઆત કરવામાં આવનાર છે. 'આપ' નો આક્ષેપ છે કે, શાંતિપૂર્ણ રીતે દેખાવો થતા હોવા છતાં પોલીસે ખોટી રીતે લાઠીચાર્જ શરૂ કરાયો હતો.

'આપ'નાં કહેવા મુજબ ભગવતીપરાનાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને કોર્પોરેશન દ્વારા 4 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસો આપવામાં આવી છે. અને 50 કરતા વધારે વર્ષથી અહીં રહેતા લોકોને આ નોટિસ મળતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા છે. જેને પગલે આવી નોટિસો મેળવનાર લોકોને સાથે રાખીને મ્યુ. કમિશ્નરને આ નોટિસો રદ્દ કરવા અથવા વૈકલ્પિક જગ્યા ફાળવવા રજૂઆત કરવામાં આવનાર હતી. આ દરમિયાન પોલીસે ખાખીનો દુરુપયોગ કરી લાઠીચાર્જ કર્યો હતો.