મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ તાલુકા પોલીસ સ્ટેશનની આસી. સબ ઈન્સપેક્ટર (એએસઆઈ) તૃષા બુસાને રાજકોટ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધી છે. મોરબીના વેપારીને હની ટ્રેપમાં ફસાવવાના મામલામાં તોડ બાજી કરવા જતી તૃષા સહિતનાઓ સામે કડક પગલા લેવાયા છે. બે જીઆરડીની પણ ધરપકડ કરાઈ છે સાથે જ કુલ 5 જવાનોની પણ હકાલપટ્ટી કરાઈ છે. સામે આવ્યું છે કે એએસઆઈએ જ એક સ્પા સંચાલક દંપત્તિ સાથે મળીને વેપારીને હની ટ્રેપમાં ફસાવવાનો મુખ્ય રોલ ભજવ્યો હતો. આ કેસમાં તોડપાણી કરવાના ઈરાદાથી વેપારીને ફસાવવાને મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કડક પગલા લીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઘટના એવી હતી કે સ્પા સંચાલક આશિષ મારડિયા પોતાના સ્પા ખાતે યુવકોને બોલાવતો હતો. જ્યાં યુવકોને શરીર સંબંધ બાંધવા હોય તો તે પ્રમાણેની ઓફર આપતો હતો. યુવકો જ્યારે તેની ઓફરમાં ભેરવાઈ જાય અને શરીર સંબંધ બાંધીને સ્પાની બહાર નીકળે ત્યારે ખુદ તે પોતે જ જીઆરડી જવાનોને ફોન કરીને બોલાવી લેતો હતો. જીઆરડી જવાનોની મદદથી યુવકોને કેસમાં ફીટ કરાવવાનો દમ મારીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. જે જેવી પાર્ટી અને જેવા તોડપાણી નક્કી થાય તે પ્રમાણે પૈસા લેવાતા હતા.


 

 

 

 

મોરબીના વેપારીને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી રૂપિયા 22500 પડાવી લેવાયા હતા. ઉપરાંત બીજા બે લાખ રૂપિયા પાછળથી આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ મામલામાં વેપારીએ પોતાને ફસાવાયો હોવાનું જાણતાં પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી જેની જાણ થતાં એએસઆઈ તૃષાએ તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને તેને માર માર્યો હતો. વેપારી સામે તૃષાના કહેવા પર માસ્ક ન પહેરવાનો ગુનો પણ દાખલ કર્યો અને લોકઅપમાં પુરી દીધો હતો. કાયદાની જાણકાર તૃષાએ આવું એટલે કર્યું હતું કે જો બાદમાં આ અંગે ફરિયાદ થાય તો આરોપી સ્પા સંચાલક આશિ। મારડિયાની પત્નીના ઘરે નહીં પણ તે વખતે પોલીસ સ્ટેશનમાં હતો તેવું સાબિત કરવા થાય.

જોકે મોરબીના આ વેપારીએ પોલ્સ સ્ટેશનમાં હની ટ્રેપ અંગેની ફરિયાદ આપી ત્યારે પોલીસે આશિષ અને તેની પત્ની અલ્પા સહિત પાંચની ધરપકડ કરી હતી. ફરિયાદ પ્રમાણે વેપારી અને અલ્પા છેલ્લા કેટલાક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. ફોન પર વાતચિત પણ થતી હતી, પણ બાદમાં અલ્પા સાથે મિત્રતા તોડી નાખી હતી. જોકે ફરી અલ્પાના ફોન આવતા ફરી વાતચિતો ચાલુ થઈ હતી.

આ દરમિયાનમાં અલ્પાએ વેપારીને કહ્યું કે તેનો પતિ બહારગામ જવાનો છે તે વખતે તે અલ્પાના ઘરે આવી જાય તેવું કહ્યું હતું. 5 ઓક્ટોબરે વેપારી મોરબીથી અલ્પાના ઘરે તેને મળવા ગયો. તેનો પતિ અને તેના મિત્ર સુરેશ પરમાર આ દરમિયાનમાં ત્યાં આવી પહોંચ્યા. પત્નીની છેડતી કર્યાનો આરોપ લગાવી તેમણે પોલીસ ફરિયાદ કરવાની દાટી આપી. તેના પતિએ બે જીઆરડી જવાનો એલઆરડી જવાનો શુભમ નીતિન શિશાંગિયા અને રિતેષ ભગવાનજી પટેલને પણ ફોન કરીને બોલાવી લીધા. જે બાદ આખરે રકઝક પછી પૈસા આપી મામલો દબાવવાનું નક્કી થયું. 

જીઆરડી જવાનોએ 22500 રૂપિયા પડાવી લીધા અને બાદમાં રૂપિયા 2 લાખ આપવાનું નક્કી થયું. વેપારીએ આ અંગે પોતાના પરિવાર સાથે વાત કરી અને તેમણે આ હની ટ્રેપ હોવાનું સમજી વેપારીને ફરિયાદ કરવાની સલાહ આપતા આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદને આધારે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.