મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સૌરાષ્ટ્રમાં વર્ષોથી કોઈપણ શુભ પ્રસંગ નિમિતે લોક ડાયરાના આયોજનની પરંપરા છે. જે અંતર્ગત પાળ ગામે આયોજિત ભાગવત સપ્તાહ નિમિતે માયાભાઈ આહીર અને દેવરાજ ગઢવી તેમજ કોડીનારના કડવાસણ ગામે ગીતા રબારી જેવા સુપ્રસિધ્ધ કલાકારોના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. જેને લઈને સ્ટેજની આસપાસ રીતસર રૂપિયાની ચાદર જોવા મળી હતી.

મવડીના પાળ ગામ ખાતે વાંક પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગતરાત્રે લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકાર માયાભાઈ આહીર અને દેવરાજ ગઢવીએ લોકોને ડોલાવ્યા હતા. આ તકે હાજર રહેલા નાના બાળકોથી લઈ મોટેરાઓ અને મહિલાઓએ પણ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.

કોડીનારના કડવાસણ ગામે આવેલા વિહોત માતા મંદિરના પાટોત્સવમાં નિમિતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતા રબારીએ 'રોણા શેરમાં..., શ્રાવણ કેરો માસ આયો... સહિતના ગીતો ગાઇને લોકોને ડોલાવ્યા હતા. આ ડાયરામાં પણ લાખો રૂપિયાની ચલણી નોટોનો વરસાદ થયો હતો. આ પ્રસંગે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજસિંહ શેખાવત પણ ખાસ હાજર રહ્યા હતા.