મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ પશ્ચિમી સંસ્કૃતિના પાગલપનમાં જાણે નાના બાળકો પોતાને વધુ સમજણ પડતી હોય તેમ વર્તે છે અને ઘણીવાર તેમની આ હરકતો પરિવારને જાહેરમાં લજ્જીત કરી મુકે છે. ઘણીવાર આ એક ગુનાહીત કાર્ય કરતાં પણ ખચકાતા નથી. આવી જ એક ઘટના ચોટીલા ખાતે બની છે. એક ટાબરિયાએ માત્ર 10 વર્ષ નાની બાળકીને આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી મોકલી જેમાં ચોટીલાના આણંદપર ગામના બે પરિવાર વચ્ચે ધીંગાણું થઈ ગયું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખેસેડાયા ત્યારે આ બાબત પોલીસ સુધી પહોંચી ગઈ હતી.

રાજકોટ જિલ્લાના ચોટીલા ખાતે આણંદપર ગામ આવેલું છે. જ્યાં એક જ શાળામાં ભણતાં 13 વર્ષના ટાબરિયાએ 10 વર્ષની બાળકીને આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી તેના સુધી પહોંચાડવા ચિઠ્ઠીને કિશોરીના બેગમાં નાખી દીધી હતી અને બાળકી ઘરે ગઈ ત્યારે માતાના હાથમાં આ ચિઠ્ઠી આવી જતાં મામલો પરિવારો વચ્ચે આવી ગયો હતો.

જેને પગલે માતાએ આ ટાબરિયો કે જેની હજું મુંછો ય સરખી ઉગી નથી તેને આ કરતુંત બદલ ઠપકો આપી તેના માતા પિતાને પણ જાણ કરવા ગઈ હતી. જોકે તેના માતા પિતાએ બાબત સમજી ટેણીયાને સમજાવવાને બદલે તે બાળકીની માતા પર મરચાનો ભૂકો નાખી હુમલો કર્યો. જે બાદ બંને પરિવારો સામસામે આવી ગયા અને સશસ્ત્ર ધીંગાણું સર્જાયું. જેમાં બાળકીના પરિવારના 6 સભ્યો અને ટાબરિયાના પરિવારના 4 શખ્સોને ઈજાઓ થઈ હતી. જેમને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલો હોસ્પિટલની ચોકી દ્વારા પોલીસને વર્ધી લખાવાતા પોલીસે ફરિયાદ આધારેની વધુ તજવીજ હાથ ધરી છે.