મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ :વધતા જતા કોરોનાના સંક્ર્મણ વચ્ચે આજે મેયર ડો.પ્રદીપ દવ અને ડે.મેયરે દર્શિતા શાહે કોવીડ હોસ્પિટલ ખાતે સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. આ ચેકીંગ દરમિયાન તેમણે પીપીઈ કીટ પહેરીને કોવીડ વોર્ડમાં દર્દીઓ સાથે વાતચીત કરી હતી. સાથે-સાથે કોરોનાના વધતા જતા કેસો પર અંકુશ મેળવવા માટે તબીબો સાથે ચર્ચા કરી હતી. આ તકે મેયરે લોકોને કોઈ ડર વિના વેકસીનેશન માટે આગળ આવવાની અપીલ પણ કરી છે. 

સિવિલ કોવિડ હોસ્પિટલની મુલાકાત દરમિયાન મેયર ડો.પ્રદીપ ડવે સિવિલ હોસ્પિટલમાં વિડીયો કોલિંગથી દર્દીઓ સાથે વાતચીત કરી હતી. અને હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ અને સારવાર વિશેની માહિતી મેળવી હતી. આ અંગે મીડિયાને જણાવતા ડો.પ્રદીપ ડવે કહ્યું હતું કે, હાલ મેં દર્દી સાથે વાતચીત કરી છે અને તેને સિવિલમાં યોગ્ય સારવાર મળે છે. તો વધુમાં વધુ લોકોને વેકસીનેશન માટે આગળ આવવા અપીલ પણ મેયરે મીડિયાનાં માધ્યમથી કરી હતી..

ડે. મેયર દર્શિતા શાહે કહ્યું હતું કે, માત્ર વિડીયો કોલથી અમે અટકી નથી ગયા, અમે પીપીઈ કીટ પહેરીને ખાસ કોવીડ વોર્ડમાં દર્દીઓને કેવી સુવિધા મળે છે તેની જાત તપાસ માટે ગયા હતા. હાલ દર્દીઓને યોગ્ય સારવાર મળે છે. અમે ડોક્ટર્સ સાથે પણ ચર્ચા કરી છે. તેમજ  તેમની જરૂરિયાત સત્વરે પુરી કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.