મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: મહિલા સુરક્ષાની સરકારી વાતો વચ્ચે મેટ્રો શહેરોમાં એજ્યુકેટેડ પરિવારમાં પણ મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જયુબેલી નજીક એપાર્ટમેન્ટમાં પિયર ધરાવતી મહિલા એડવોકેટ દ્વારા અમદાવાદ રહેતા ડોક્ટર સાસુ-સસરા અને એન્જીનીય પતિ સામે માનસિક ત્રાસ અને રૂપિયાની માંગ કરાતી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અંજુનેન તન્વીરભાઈ મોર નામની આ મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેણીનાં બીજા લગ્ન અમદાવાદ સરખેજ રોડ પર રહેતા તન્વીર મોર સાથે ગત તારીખ 14 જૂનનાં રોજ થયા હતા. પતિ તન્વીરના ત્રીજા આ લગ્ન છે તે આઇ.ટી. એન્જીનીયર છે. લગ્ન બાદ તે અમદાવાદમાં પતિ, સાસુ, સસરા સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા. લગ્નનાં માત્ર 15 દિવસ બાદ જ સસરાએ પોતે ડોક્ટર હોઈ ખોટી દવાઓ લેવા માટેનું દબાણ શરૂ કર્યું હતું. સાસુએ પણ રસોઈ સહિતની બાબતોમાં મેણાટોણા મારવાનું શરૂ કર્યું હતું. જેને લઈ તેણીએ પતિને વાત કરતા તેણે પણ મમ્મી પપ્પા કહે તેમજ કરવાનું જણાવી દીધું હતું. છતાં સંસાર ટકાવી રાખવા માટે ન ગમતી દવાઓ ખાવા સહિતનો ત્રાસ પોતે સહન કર્યે જતા હતા.


 

 

 

 

 

દરમિયાન દોઢ મહિના પહેલા સસરા કરિયાવરમાં કંઇ લાવેલ નથી તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. આ બાબતે પતિને વાત કરતા તેણે કહેલ કે 'પપ્પા તો ઘરમાંં બોલશે જ તને ગમતુ ન હોય તો સામાન ભરીને જતી રહેજે. બાદમાં સસરા જોર જોરથી બોલવા લાગ્યાને ગુસ્સે થઇને મારવા દોડ્યા હતા. એટલું જ નહીં પતિએ પણ ભડાકે દેવાની વાત કરતા પોતે તાકીદે બેડરૂમમાં જઈ 181ને જાણ કરી હતી. જો કે 181ની ટીમે સાસુ સસરાને સમજાવતા તે સમજતા તૈયાર ન હોવાથી પોતે રાજકોટ માવતરના ઘરે આવ્યા બાદ મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવી હોવાનું કહ્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.