રાજકોટ : રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે. કોરોના દિવસેને દિવસે વિકરાળ થઇ રહ્યો હોઈ રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં કુલ 50 લોકોને એકત્ર થવા માટેની મંજુરી આપવામાં આવી છે. તેમ છતા ડોક્ટરે નિયમ તોડી લગ્નપ્રસંગે 100 લોકોને એકઠા કર્યા હતા. જેની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે ડોક્ટર સહિત રેજન્સી લગુન રિસોર્ટનાં સંચાલકો મળી ચારને ઝડપી લીધા છે. અને તમામ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ક્રાઇમબ્રાંચે આ લગ્ન પ્રસંગ યોજનાર શહેરનાં પ્રસિદ્ધ ડોક્ટર કે.કે રાવલ , ભરતભાઇ વ્યાસ અને રેજન્સી લગુન રીસોર્ટનાં માલિક સુમીત પટેલ તેમજ રિસોર્ટનાં સંચાલક સંજય કુમાર શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મુદ્દે ડીસીપી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આરોપીઓને હાજર કરીને અન્ય માહિતી આપી હતી.

ડીસીપોનાં જણાવ્યા અનુસાર, તાલુકા પોલીસ સ્ટેશન હદમાં આવતા રેજન્સી લગુન રીસોર્ટમાં 25 એપ્રીલનાં રોજ ડોક્ટર કે.કે રાવલ તેમજ મોરબીનાં ભરત વ્યાસ દ્વારા લગ્નપ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્રાઇમબ્રાંચે બાતમીનાં આધારે દરોડો પાડયો હતો. જેમાં 50ને બદલે 100થી વધુ લોકો હાજર હોવાનું ખુલતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.