મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનો રાજ તિલક સમારોહ શરૂ થયો છે. આજે રાજ તિલક સમારોહનો બીજો દિવસ હતો, રણજીત વિલાસ પેલેસ ખાતે ત્રણ દિવસીય યજ્ઞ શરૂ થશે. રણજીત વિલાસ પેલેસમાં યજ્ઞશાળાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ આ પહેલા કોણે કર્યું હતું આ પ્રકારની યજ્ઞશાળાનુ આયોજન.

પેલેસમાં શ્રીધર યજ્ઞશાળાનું નિર્માણ

શ્રીધર યજ્ઞશાળાનું નિર્માણ ભગવાન કૃષ્ણએ પાંડવોને સુચવ્યું હતું. આ યજ્ઞશાળાનો આકાર કમલાકાર હોય છે. કમળની ૧૮ પંખુડીની કૃતિ રૂપી બનાવવામાં આવે છે. આ યજ્ઞશાળાના મુખ્ય સ્થાપનને સર્વતો ભદ્ર મંડલ તરીકે ઓળખવામાં આવે છે. યજ્ઞશાળામાં સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદનું સ્થાપન કરાયું હતું. શ્રીધર શબ્દ મુખ્યત્વે બે શબ્દોનો બનેલો છે એક શ્રી અને બીજો ધર શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી અને ધરનો અર્થ થાય છે ધારણ કરનાર. આમ લક્ષ્મીને ધારણ કરનાર એવા ભગવાન વિષ્ણુના પ્રતિક રૂપે શ્રીધર યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવે છે.

આજથી રણજીત વિલાસ પેલેસ ખાતે હોમ-હવન અને યજ્ઞાદિ ધર્મકાર્યોની પવિત્રતા સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવશે. આ પ્રકારની યજ્ઞાશાળા ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને નિર્માણ કરવા સૂચવ્યું હતું જેનું અહીંયા પુનરાવર્તન થશે.

મહાભારત કાળમાં પાંડવોએ જ્યારે ઈન્દ્રપ્રસ્થ નગરની રચના કરી. ત્યારે ભગવાને તેમની પાસે જે યજ્ઞ કરાવ્યો તે જગકલ્યાણ યજ્ઞ હતો. આ સમયે ભગવાને વિશ્વકર્માજીને આજ્ઞા આપીને જે યજ્ઞાશાળાનું નિર્માણ કરાવ્યું તે શ્રીધર યજ્ઞાશાળા. તેનું મુખ્ય સ્થાપન ‘સર્વતો ભદ્રમંડલ’ કહેવાય છે. એટલે કે દૂનિયાની, સ્વયં બ્રહ્માની ઉત્પતિ, માનવ સૃષ્ટિની રચનાથી ભારતની નદીઓ, દરેક જીવો અને વર્તમાન સ્થિતિ સુધીનું મંડળ તેમાં આવરી લેવાયું હોય છે.

આગામી બે દિવસ સુધી ચાલનારા આ યજ્ઞમાં આજ રોજ મંગળવારના દિવસે બ્રાહ્મણો દ્વારા ગણપતિ સહિત સ્થાપિત દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવશે તો સાથે જ યજમાન દંપતિ માટે પુણ્ય વાચન સહિતના શ્લોકનું પઠન પણ કરવામાં આવશે. રાજકોટના રાજાની આ રાજતિલક વિધી શહેર માટે ઇતિહાસ રચનાર બની રહેશે તેવો રાજવી પરિવારનો દાવો છે.