મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ 15મી ઓગસ્ટની સમી સાંજે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવામાં આવી હતી. ધોની સાથે ઘણા લોકોએ પોતાના સમય અને સંબંધોને વ્યક્ત કર્યા હતા. જોકે ધોની જ્યારે ભારતીય ટીમના કપ્તાન તરીકે જાહેર થયો તે સંદર્ભે રાજકોટ ખાતે BCCI પૂર્વ સેક્રેટરી નિરંજન શાહએ કેટલીક બાબતો જણાવી હતી. (વીડિયો અંતમાં દર્શાવ્યો છે)

ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત સ્વતંત્રતા પર્વની સમી સાંજે કરી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેં પલ દો પલ કા શાયર હું ગીત સાથે પોતાના જુદા જુદા ફોટો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી ત્યારે બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ દ્વારા ન્યૂઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવાયું હતું કે, જ્યારે હું બીસીસીઆઈનો સેક્રેટરી હતો, ત્યારે મારા જ કાર્યકાળમાં મહેન્દ્રસિંહ ધોનીને ટીમ ઇન્ડિયાના કપ્તાન બનાવવામાં આવ્યા હતા મેં અને મારા સાથી મિત્રો એ જે ભરોસો મહેન્દ્રસિંહ ધોની પર મુક્યો હતો. તે ભરોસા પર મહેન્દ્રસિંહ ધોની ખરા ઉતર્યા છે. તેમનો કાર્યકાળ નિર્વિવાદીત રહ્યો છે તેમને જે રીતે નિવૃત્તિની જાહેરાત કરી તે પણ પોતાની મનગમતી શૈલીમાં કરી છે. એક સારો કેપ્ટન ત્યારે જ કહેવાય કે જ્યારે તે પોતાના સાથી ખેલાડીઓ પર ગુસ્સે ન થાય પરંતુ તેમની આવડતને પારખીને તેમની પાસેથી સારામાં સારું ક્રિકેટ બહાર લાવે. ત્યારે મહેન્દ્રસિંહ ધોનીમાં આ તમામ ગુણો પહેલેથી જ વિદ્યમાન હતા. ચોક્કસ જે રીતે મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે તેનાથી ભારતીય ક્રિકેટને એક મસ મોટી ખોટ ઊભી થશે.