મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટઃ રૂરલ પોલીસમાં ભરતી થયેલી જસદણના ફુલઝરની વતની મહિલા તાલીમાર્થી લોકરક્ષક જલ્પા જેંતીભાઈ સાકરીયાએ મવડી હેડ કવાર્ટરમાં પોતાના રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધાની ઘટના તાલુકા પોલીસમથકે નોંધાઈ છે. બનાવના પગલે એસ.પી. સહિતનો કાફલો દોડી ગયો હતો. સાથી પોલીસકર્મીઓમાં અરેરાટી મચી ગઈ હતી.

પોલીસના સુત્રોની વિગતો મુજબ ફુલઝરની વતની જલ્પા મહિલા લોકરક્ષક દળમાં પસંદગી પામીને તાલિમ માટે વીસ દિવસ પહેલા મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં આવી હતી અને ત્યાં તાલિમકક્ષમાં અન્ય મહિલા કર્મીઓ સાથે રહેતી હતી. જલ્પા સાથે રૂમમાં અન્ય ચાર મહિલા કર્મી પર રહેતી હોય આજે રાબેતા મુજબ ટ્રેનીંગમા જવાનું કહ્યુ પરંતુ જલ્પા ગઈ નહી તેની સાથેની ચારેય મહિલા કર્મી ક્લાસમાં ગઈ હતી.

દરમિયાન જલ્પા એકલી હતી. રૂમમાં પંખામાં ચુંદડી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. તાલિમી સાથી કર્મીઓ રૂમ પર પરત ફરી ત્યારે રૂમ અંદરથી બંધ હોય ખખડાવ્યો હતો. ખુલ્યો ન હોવાથી બારીમાંથી નજર કરતા જલ્પાનો દેહ લટકતો જોઈને સાથી કર્મીઓએ ચીસો પાડતા અન્યો પણ દોડી આવ્યા હતા. તપાસનીસ પી.એસ.આઈ. અંબાસણાના કહેવા મુજબ એકવીસ દિવસ પહેલા જ ટ્રેઈનીંગમા આવી હતી.