મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ:  હાલ વીડિયો એપ્લિકેશન ટિકટોકની ભારે બોલબાલા છે. યુવાધન રોજે રોજ નવા નવા વીડિયો બનાવી અપલોડ કરી નામના મેળવી રહ્યાં છે. જેમાં પોલીસ, મીડિયા કર્મીઓ, તબીબો વગેરે પણ છે. જો કે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના કારણે એક દંપતીનો ચાર વર્ષનો સુખી સંસાર ભાંગી પડ્યો છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

વાત એવી છે કે એક પરિણિત યુવકને ટિકટોક પર યુવતી સાથે પ્રેમ થઇ ગયો. ટીકટોક પર યુવકે યુવતીની પ્રોફાઈલ જોઈ યુવતી અને બંને વચ્ચે વાતો થઈ અને બંને પ્રેમમાં પડી ગયા. હવે યુવકને મળવા પ્રેમિકા બધુ છોડી આવી પહોંચી, જ્યારે આ વાતની જાણ યુવકની પત્નીને થઇ તો તેણીએ વિરોધ કર્યો પરંતુ પ્રેમમાં અંધ બનેલા યુવકે કહ્યું કે તે પત્ની અને પ્રેમિકા બંનેને અપનાવવા તૈયાર છે. મતલબ કે તેને પત્ની અને પ્રેમીકા બંને સાથે રહેવું છે. જો કે પત્નીને આ વાત માની નહીં તેણે યુવકને મનાવ્યો પણ તે માન્યો નહીં અને બંનેને રાખવાની વાત કરવા લાગ્યો તો તેણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના રાજકોટના ગોંડલની છે, અહીં રહેતા જય અને રીનાના લગ્નને ચાર વર્ષ જેટલો સમય થયો હશે. હજું તો તેમનો સુખી સંસાર સરખી રીતે પાંગર્યો પણ ન હતો. આ દરમિયાન તેમને સંતાનમાં બે વર્ષની દીકરી છે, જો કે થોડાક સમયથી જય ટિકટોક પર વ્યસ્ત રહેવા લાગ્યો, આ બાબતે બંને વચ્ચે ઝઘડા શરૂ થયા જો કે પછી બંને વચ્ચે બોલાચાલી થઇ ગઇ, જેમાં જયે કહ્યું કે ટિકટોક પર તેને હિના નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. એટલું જ નહીં હિના કચ્છથી ગોંડલ તેને મળવા આવી હતી. આ વાત સાંભળી રીના પગતળેથી જમીન ખસી ગઇ. સમગ્ર બાબતે જયના માતા-પિતાએ પુત્રવધુ રીનાનો સાથ આપ્યો અને જયને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા તેમ છતા પ્રેમમાં અંધ બનેલો જય પ્રેમિકા હિનાને છોડવા ટસ નો મસ ન થયો. ઉલટાનું જયે તેની દીકરીની પરવા કર્યા વગર એવું કહ્યું કે તે ગોંડલમાં બીજુ મકાન લઇ લેશે અને તેમાં હિનાને રાખશે, ત્યારબાદ હિના અને રીના પાસે આવન-જાવન કરશે. અંતે કંટાળી રીનાએ 181ને ફોન કરી મદદ માગી જો કે 181ના સમજાવવાના પ્રયાસો બાદ પણ જય માન્યો નહીં જેથી હવે રીના કાયદાકીય પગલા ભરવાની તૈયારી કરી રહી છે. (નોંધઃ તમામ નામ કાલ્પનિક છે).