મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ગાંધીગ્રામ વિસ્તારમાં મુસ્લિમ યુવાન સાથે પ્રેમસંબંધ ધરાવતી અને તેની સાથે રહેવા જવાની જીદ કરતી ૨૦ વર્ષિય યુવતિને તેના પિતાએ માથામાં કપડા ધોવાના ધોકાના ઘા ફટકારી પતાવી દેતાં ચકચાર મચી ગઇ છે. યુવતિને એક દોઢ વર્ષથી કોઇ મુસ્લિમ યુવાન સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધનો પિતા વાંધો ઉઠાવતાં હતા. પરંતુ તેણી સતત તે યુવાન સાથે રહેવા જવાની જીદ કરતી હોઇ અને આજે પણ આવી જીદ લઇને બેસી જતાં પિતા રોષે ભરાયા હતા અને કપડા ધોવાના ધોકાના ઘા ફટકારી દેતાં તેણીને બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાઇ હતી. જ્યાં દમ તોડી દીધો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીગ્રામ શાહનગર-૪માં રહેતી ઇલા ગોપાલભાઇ નકુમ (ઉ.વ.૨૦) નામની સથવારા યુવતિને  તેના પિતા ગોપાલભાઇ નારણભાઇ નકુમે ધોકાના ઘા ફટકારી ઇજા કરી હોવાની જાણ થતાં ૧૦૮ પહોંચી ગઈ હતી. પડોશમાં રહેતાં જીવરાજભાઇ નામના વ્યકિતએ ૧૦૮ને ફોન કર્યો હતો. ઇલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તે બેભાન હોઇ પોલીસ તેનું નિવેદન નોંધી શકી ન્હોતી. સારવાર દરમિયાન તેણીએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

બનાવની જાણ થતાં ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા, હીરાભાઇ રબારી, ઘેલુભાઇ શિયાર, વિરભદ્રસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચ્યો હતો. પોલીસે દોડધામ કરી દિકરીને ધોકાના ઘા ફટકારી ભાગી ગયેલા પિતા ગોપાલ નકુમને સકંજામાં લઇ લીધો હતો. તેણે કબુલ્યું હતું કે દીકરી ઇલાને શિવપરાના ફરદીન નામના એક શખ્સ સાથે એકાદ વર્ષથી પ્રેમસંબંધ હતો. પોતે આ પ્રેમસંબંધનો સખ્ત વિરોધ કરતાં હતા. આમ છતાં તેણી સતત એ છોકરા સાથે રહેવા જવા જીદ કરતી હતી. બે દિવસ પહેલા જ છોકરાના અને પોતાના સમાજના લોકોએ ભેગા થઇ બંનેને સમજાવ્યા હતાં. છોકરા ફરદીનની ઉમર પણ હાલમાં ઇલા કરતાં નાની છે. સતત પ્રેમી સાથે રહેવા જવાની જીદ લઇને બેસતી ઇલાએ આજે પણ ત્યાં જવાની વાત કરતાં પિતા-પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં તેણે દીકરીને કપડા ધોવાના ધોકાના ઘા મારી દીધા હતા.