મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ગુજરાતમાં સ્ત્રી ભ્રૂણ હત્યા ભૂતકાળમાં ઘણો લાંબો સમય સુધી થતી રહી હતી, જેને પ્રતાપે હવે દિકરાઓની સામે દીકરીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો સહુની સામે છે. આ કારણ અને અન્ય બીજા ઘણા કારણોને પગલે યુવકોને હવે લગ્ન માટે પત્ની મળતી નથી. જેને પગલે યુવાનોને પરિવારની ઓળખાણ બહારથી યુવતીઓ સાથે પરણવું પડે છે કે જેની અંગે જાજી કોઈ માહિતી ન હોય. અંતે એવું પરિણામ મળે છે કે પછતાવાનો વારો આવે છે.

રાજકોટમાં એક એવો કિસ્સો બન્યો છે કે સવારે લગ્ન કર્યા અને સાંજે તો લૂટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી. રાજકોટમાં એક યુવકે ૮૦ હજાર રૂપિયા આપીને નાસિકની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. હવે યુવક જ્યારે સવારે લગ્ન કર્યા તો સાંજે બીજી બાજુ પત્ની સાંજ સુધીમાં તો છૂ થઈ ગઈ હતી. પત્નીને પતિએ ઘણી શોધી પણ તે મળી નહીં. આ ઘટના ખરેખર આજના યુવકો કે જેમને લગ્ન માટે તકલીફો પડી રહી છે તેમને જાણવા જેવી છે.

રાજકોટના કુવાડવા રોડ રોહીદાસપરામાં રહેતા ધનજીભાઇ મકવાણા ટિપરવાનમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. તેમની લગ્નની ઉંમર થઇ ચુકી હતી જોકે તેમને પરિચિતોમાંથી કોઈ યુવતી મળતી ન હોવાથી બીજા રાજ્યોમાં પણ યુવતી શોધતા હતા. દરમિયાન તેમને જાણકારી મળી કે, કોઠારિયામાં રહેતો સુરેશ લગ્ન કરાવી આપે છે. ધનજીભાઇએ તેનો સંપર્ક કર્યો અને સુરેશે નાસિકમાં 80 હજાર આપી લગ્ન કરાવી દેવાની ખાતરી આપી હતી અને તે માટે પોતાના ખર્ચ પેટે રૂ.૫ હજારની માંગ કરી હતી.

હવે લાંબા સમયથી લગ્નવાંચ્છુ ધનજીભાઈએ તેની વાત માની લીધી અને ૫ હજાર રૂપિયા આપી દીધા પછી સુરેશે ગત ડિસેમ્બર મહિનામાં નાસિકમાં ગૌશાળાની બિલ્ડીંગમાં એક યુવતી બતાવવાનું કહ્યું જેને પગલે ધનજીભાઈ, તેમના કાકા ચતુરભાઈ, સુરેશ અને તેનો બનેવી રમેશ કાર ભાડે કરીને છોકરી જોઈ આવ્યા. જે ધનજીભાઈને યોગ્ય લાગતા લગ્નનું નક્કી થયું હતું. આ દરમિયાનમાં છોકરી તરફથી તેની દીદી તરીકે ઓળખ આપનાર એક મહિલાને ધનજીભાઈએ વાત થયા પ્રમાણે ૮૦ હજાર આપ્યા હતા. બંનેએ ફૂલહાર કરીને ગૌશાળામાં જ લગ્ન કરી લીધા હતા.

લગ્ન પછી યુવતી, ધનજીભાઈ અને તેની નજીકના લોકો રાજકોટ ખાતે નાસિકથી ગાડીમાં આવ્યા હતા. ત્રીજી તારીખે તેઓ સવારે રાજકોટ પોતાના ઘરે પહોંચ્યા હતા. ઘરે આવ્યા પછી યુવતીએ પોતે થાકી ગઈ છે સૂઈ જવું છે કહીને તે જતી રહી અને પછી સાંજે ઉઠી. તે પછી નવા કપડા લેવા છે તેવું કહેતા ધનજીભાઈ તેને ગુંદાવાડીના માર્કેટમાં લઈ ગયા ત્યાં તેણે ડ્રેસ અને ચપ્પલ પણ ખરીદ્યા અને બંને ઘરે આવી ગયા. ત્યારે યુવતીએ ફરી સાંજે ઘૂઘરા ખાવા છે એવું કહેતા તેને માટે તે ઘૂઘરા લઈ આવ્યા યુવતી સહિત ઘરનાઓએ ઘૂઘરાનો સ્વાદ માણ્યો ત્યાં તો સાંજે પોતાને કપડા બદલવા છે તેવું કહી ધનજી અને તેમના નાના ભાઈને બહાર જવાનું કહ્યું અને બંને બીજા રુમમાં જતા રહ્યા. આ અરસામાં યુવતી તે રૂમના બીજા દરવાજેથી ભાગી ગઈ. આ બાજુ સમય જતો ગયો પણ દરવાજો ખુલ્યો નહીં જેથી ધનજીભાઈએ રૂમ ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળ્યો. તુરંત તમામ બાબત તેમની સામે સ્પષ્ટ થઈ ગી હતી. લૂંટેરી દૂલ્હન રૂ. ૧૦ હજારના દાગીના અને કપડાનો થેલો લઈ ભાગી ગઈ હતી. ધનજીભાઈ તુરંત શેરીમાં દોડ્યા અને તપાસ કરી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ગ્રીનલેન્ડ ચોકડી વગેરે સ્થાનો પર તપાસ કરી પણ તે હાથમાં ન આવી. આખરે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.