મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ :  રાજકોટમાં પ્રેમી સાથે મળી ખુદ પ્રેમિકાએ જ પોતાના ઘરની અંદર લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઘરફોડ ચોરીના ગુના નો પર્દાફાશ કરવામાં આવ્યો છે તો સાથેજ 7.34લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખુદ પ્રેમિકાએ જ પોતાના પ્રેમી સાથે મળી પોતાના જ ઘરમાં સોના તેમજ રોકડ મળી લાખો રૂપિયાની ઘરફોડ ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેમી પંખીડા ની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 

સમગ્ર મામલે રાજકોટ એસીપી ક્રાઇમ ડી.વી.બસિયા એ જણાવ્યું હતું કે, રેલનગરમાં આવેલ રામેશ્વર પાર્ક શેરી નંબર 2માં રહેતા ફ્રાન્સિસ ભાઈ એ પોતાના ઘરમાં રોકડ તેમજ સોના ચાંદીના દાગીના ચોરી થયા હોવાનું જણાવ્યું હતું. જે બાબતે પ્ર.નગર પોલીસ મથક અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા ફરિયાદી ના ઘરની ક્રાઇમ સીન વીઝીટ દરમિયાન ઘરનો દરવાજો કે લોક તૂટેલ ન હોવાનું જણાયું હતું. તેમજ ચોરી ના કામે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું લાગતા ઘરફોડ ચોર બહાર ની વ્યક્તિ નહિ પરંતુ ઘરની જ કોઈ વ્યક્તિ હોવાનું પ્રાથમિક દ્વષ્ટિએ લાગતું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ દ્વારા વધુ તપાસ કરતા ઘરફોડ ચોરી ફરિયાદીની દીકરી પ્રિયાંસી તેમજ તેના પ્રેમી પાર્થ ભટ્ટ દ્વારા કરી હોવાનું ખુલ્યું છે. તો સાથે જ પોલીસની પૂછપરછમાં આરોપી પાર્થે કબુલાત આપી છે કે તેણે પોતાની પ્રેમિકા રીયાંશી સાથે મળી ને ડુપ્લીકેટ ચાવી બનાવી હતી. ત્યાર બાદ ઘરે બધા ગેર હાજર હોય તે સમયે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસ પૂછપરછમાં બન્ને આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ બને લિવ ઈન રિલેશનશિપમાં રહે છે. ત્યારે રિયાંશી અને પાર્થ સ્વતંત્ર રીતે જોબ પ્લેસમેન્ટ માટેની એજન્સી ખોલવા માંગતા હોઈ તેના કારણે ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.

આમ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રેમી પંખીડા ની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેમને જેલના સળિયા ગણાવતા કરી દીધા છે. તો બીજી તરફ એક દીકરી એ પોતાના જ ઘરમાં ચોરી કરાવતા માતા પિતાના વિશ્વાસ નું પણ ખૂન થવા પામ્યું છે.